Strong earthquake of 6.9 in Taiwan, tsunami alert in Japan
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જાપાનના ફુકુશિમામાં દરિયામાં બુધવાર (16 માર્ચ)ની સાંજે 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અને તેનાથી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભૂકંપને કારણે ટોકિયો વિસ્તારના આશરે 20 લાખ મકાનોમાં વીજળી ગૂલ થતાં અંધારપટ છવાયો હતો. જોકે તાકીદે કોઇ જાનહાનીના અહેવાલ આવ્યા નથી. ભૂકંપથી ટોકિયો સહિતના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા.

જાપાનના ઉત્તરીય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો, જયાં 11 વર્ષ પહેલા 9.0ની તીવ્રતાના વિનાશક ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન્યૂક્લિયર પ્લાન્ટમાં પણ નુકસાન થયું હતું અને રેડિયેશન લીકેજનો ભય ઊભો થયો હતો. ફુકુશિમા ડાઇચી ન્યુક્લિયર પ્લાન્ટનું સંચાલન કરતી ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કંપની હોલ્ડિંગે જણાવ્યું હતું કે કામદારો સંભવિત નુકસાની ચકાસણી કરી રહ્યાં છે.

જાપાનની હવામાનશાસ્ત્ર એજન્સીના જણાવ્યા અનુસાર સમુદ્રથી 60 કિમી ઊંડાઈએ રાત્રે 11.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. એજન્સીએ મિયાગી અને ફુકુશિમા વિસ્તારોમાં એક મીટર (3 ફૂટ) સુધીના મોજાં સાથેની સુનામીનો એલર્ટ આપ્યો હતો. જાપાનના એર સેલ્ફ ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે નુકસાનની ચકાસણી કરવા અને માહિતી મેળવવા માટે તેને ફાઇટર જેટ મોકલ્યા છે. ઇસ્ટ જાપાન રેલવે કંપનીએ સુરક્ષાની ચકાસણી કરવા માટે તેની મોટાભાગની ટ્રેન સર્વિસ સ્થગિત કરી હતી.