GettyImages-1228681565

ચાન્સેલર ઋષિ સુનકે ગુરૂવારે 6 માસ માટે નવી કોરોનાવાયરસ જોબ્સ પ્રોટેક્શન સ્કીમ તા. 1 નવેમ્બરથી શરૂ કરવાની જાહેરાત કરી છે જે છ મહિનાએટલે કે એપ્રિલ 2021 સુધી ચાલશે. જેમાં જે તે કર્મચારીએ પાર્ટ ટાઇમ કામ પર ચઢવાનું રહેશે અને સરકાર અને એમ્પલોયર જે તે કર્મચારીએ નહિં કરેલ કામના વેતનની ત્રીજા ભાગની રકમ ચૂકવશે. સુનકે કહ્યું છે કે સરકારની નવી વેતન સબસિડી યોજનાથી મોટી સંખ્યામાં લાભ થશે પરંતુ કેટલી નોકરીઓનો બચાવ કરશે તેની આગાહી કરવી હાલને તબક્કે અશક્ય છે.

ચાન્સેલરે હોસ્પિટાલીટી અને ટૂરીઝમ કંપનીઓને VATમાં કરેલા ઘટાડાને પણ માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. સરકારે તા. 15 જુલાઇથી VAT 20%થી ઘટાડીને 5% કર્યો હતો અને તે આવતા વર્ષે 12 જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો. સુનકે એ પણ જાહેરાત કરી હતી કે સરકારની લોન યોજના હેઠળ લોન લેનાર બિઝનેસીસને લીધેલા નાણાં ચૂકવવા માટે વધુ સમય આપવામાં આવશે. જે નાના બિઝનેસીસે “બાઉન્સ બેક” લોન લીધી હતી તેઓ નવી “પે એઝ યુ ગ્રો” ફ્લેક્સીબલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. તેનો અર્થ એ કે તેઓ દેવાની રકમ મૂળ છ વર્ષની મુદતને બદલે 10 વર્ષ સુધીમાં ચૂકવી શકશે. જે નાના અને મધ્યમ કદના બિઝનેસીસે કોરોનાવાયરસ બિઝનેસ ઇન્ટરપ્શન લોન સ્કીમ હેઠળ લોન લીધી હશે તેમને પણ સમય વધારી આપવામાં આવશે.

નવી કોરોનાવાયરસ જોબ્સ પ્રોટેક્શન સ્કીમ ફર્લોને બદલવા માટે તૈયાર કરવામાં આવી છે, જેમાં સરકાર ફૂલ ટાઇમ કામ કરવા માટે અસમર્થ લોકોના પગારને ટોપઅપ કરી આપશે. સુનકે આ યોજનાને આમૂલ ગણાવી યોજનાનો હેતુ શક્ય તેટલી નોકરીઓને બચાવવાનો અને લોકોને છૂટા કરવાને બદલે પાર્ટ-ટાઇમ કામમાં રાખવા માટેનો હોવાનું જણાવ્યું હતું.  જો કે આ યોજના ફક્ત “સધ્ધર લોકોને જ નોકરીઓ”માં ટેકો આપી શકશે.

ટ્રેઝરીના અંદાજ મુજબ નવી જોબ્સ સપોર્ટ યોજના દ્વારા બેથી પાંચ મિલિયન લોકોને નોકરીઓમાં મદદ થશે. સત્તાવાર આંકડા અનુસાર, લગભગ ત્રણ મિલિયન કામદારો અથવા યુકેના કુલ કર્મચારીઓના 12% લોકો હાલમાં આંશિક અથવા સંપૂર્ણ ફર્લો પર છે જે યોજના 31 ઑક્ટોબરના રોજ સમાપ્ત થાય છે. નવી યોજનાથી કામદારોના પગારમાં સરકારનું યોગદાન ઝડપથી ઘટશે અને હાલની ફર્લો યોજનામાં તે માસિક વેતનના 80% છે તેનાથી ઘટીને 22% થઈ જશે.

આ યોજનાનો દર મહિને અંદાજે £300 મિલિયનનો ખર્ચ થશે. જે કંપનીઓ નવી યોજનાનો ઉપયોગ કરશે તેઓ હજી પણ જોબ રીટેન્શન બોનસનો દાવો કરી શકશે જેમાં સરકાર જાન્યુઆરીના અંત સુધી કામ પર પાછા આવનારા દરેક ફર્લો કર્મચારી માટે £1000 ચૂકવે છે.

બધા નાના અને મધ્યમ કદના બિઝનેસીસ માટે આ યોજના યોગ્ય રહેશે પરંતુ સંકટ દરમિયાન જેમનું ટર્નઓવર ઘટી જશે તેવા મોટા બિઝનેસીસ પણ આ યોજના માટે લાયક બનશે. બિઝનેસ લોબી જૂથ સીબીઆઈના ડિરેક્ટર-જનરલ ડેમ કેરોલિન ફેયરબ્રેઇને સરકારની આ યોજનાનું સ્વાગત કર્યું છે.

યોજના કઇ રીતે કામ કરશે?

આ જોબ સપોર્ટ યોજના હેઠળ પાત્ર બનનાર કર્મચારીઓએ તેમના સામાન્ય કલાકના ઓછામાં ઓછા ત્રીજા ભાગના કલાકો માટે કામ કરવાનું આવશ્યક રહેશે. તેમણે જેટલા કલાક કામ નહિં કર્યું હોય તેના દરેક બાકી વેતનનો ત્રીજો ભાગ સરકાર અને એમ્પ્લોયર ચૂકવશે. આનો અર્થ એ કે તે કર્મચારીને તેમના પગારના ઓછામાં ઓછા 77% મળતા રહેશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સપ્તાહના ફૂલ ટાઇમ 40 કલાક કામ કરી મહિને £2,000ની કમાણી કરતી હશે અને તે જો નવા સંજોગોમાં તેમના કામના અડધા એટલે કે 20 કલાક માટે કામ કરશે તો તેમને £1,000નો રેગ્યુલર પગાર મળશે. ત્યારબાદ તેમણે બાકીન3 20 કલાક કામ નહિં કર્યું હોય તેના થનાર પગારના £1,000ના ત્રીજા ભાગની રકમ એટલે કે £333 સરકાર અને £333 તેમના એમ્પ્લોયર પાસેથી મળશે. આમ તે વ્યક્તિને તેમના ફૂલ ટાઇમના કામના વેતનના £2,000ના બદલે અડધો સમય કામ કરવાના £1666 મળશે.

આ યોજનાનો લાભ લેવા જેતે વ્યક્તિએ ઓછામાં ઓછા 33 ટકા સમય માટે કામ કરવું જરૂરી છે. સરકાર તે સમયમાં ત્રણ મહિના પછી વધારો કરી શકે છે. આ જોબ સપોર્ટ સ્કીમ હેઠળ 250 કર્મચારીઓ કે તેનાથી ઓછી સંખ્યામાં કર્મચારીઓ ધરાવતી કંપનીઓને જ લાભ મળશે. મોટા ઉદ્યોગોને લાભ લેવો હશે તો તેમણે તેમની આવક કોરોનાવાયરસને કારણે ઘટી છે તેમ સાબિત કરવું પડશે. આ યોજના માટે ઓછામાં ઓછા 23 સપ્ટેમ્બરથી કર્મચારીઓ કંપનીના પગારપત્રક પર હોવા જરૂરી છે. કર્મચારીઓ ઓછા કે વધુ સમય માટે કામ કરી શકશે.