બોરિસ જોન્સન - Dan Kitwood/Pool via REUTERS

ચાન્સેલર ઋષી સુનકના કેમ્પના કેટલાક સાથીદારો આક્ષેપ કરતા માની રહ્યા છે કે વડા પ્રધાન અને સુનક વચ્ચે દેશની આર્થિક નીતિને લઈને ઘર્ષણ થયા પછી અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસની માહિતી નંબર 10 દ્વારા લીક કરવામાં આવી છે. જો કે વડા પ્રધાન બોરિસ જૉન્સને એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ શ્રી સુનકની પત્નીના નોન-ડોમ સ્ટેટસ અંગે સુનક સામે પ્રેસને બ્રીફિંગ કરી રહ્યા છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘’ચાન્સેલરને મારો સંપૂર્ણ ટેકો છે અને તેઓ “ઉત્તમ” કામ કરી રહ્યા છે. જો આવું બ્રીફિંગ્સ થતું હોય તો તે ચોક્કસપણે નંબર 10માંથી થતું નથી. સ્વર્ગ જાણે છે કે તે ક્યાંથી આવે છે. હું ફક્ત ભારપૂર્વક કહીશ કે ચાન્સેલર, ઋષિ, એકદમ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી, મને નથી લાગતું કે લોકોના પરિવારોને આમાં ખેંચવા જોઈએ.”

સુનક અને તેમના પત્ની આક્ષતા મૂર્તિની બાબતો પર વારંવારની તપાસ અંગે જૉન્સને સામાન્ય રીતે સ્પષ્ટીકરણો સાથે જોડાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ જાણતા ન હતા કે અક્ષતા મૂર્તિ નોન-ડોમ છે.

ચાન્સેલર માને છે કે જે દિવસે તેમણે નેશનલ ઇન્સ્યોરંશ વધાર્યો તે જ દિવસે તેમની પત્નીની ટેક્સની સ્થિતિ લીક કરાઇ તે એક “સંકલિત હુમલો” હતો. તેમના સાથીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તે લીક સંભવિત ફોજદારી ગુનાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, સુનક કે તેમની પત્ની પોલીસ પાસે ગયા નથી. તેઓ માને છે કે કોઈ વ્યક્તિ શ્રી સુનકની વિશ્વસનીયતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.