બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને કોવિડ-19 કાયદાનો ભંગ કરનારી પાર્ટીઓ અંગેની જાણકારી ન હોવાનું કહીને કોવિડ લોકડાઉન ભંગ અંગે સંસદને જાણી જોઈને વારંવાર ગેરમાર્ગે દોરી હતી તેવું ક્રોસ-પાર્ટી સંસદીય પેનલની તપાસમાં જાણવા મળ્યું છે. જોન્સને રાજીનામું આપ્યું ન હોત, તો તેમને વારંવાર તિરસ્કાર કરવા અને સંસદીય પ્રક્રિયાને નબળી પાડવાની કોશિશ કરવા બદલ 90 દિવસ માટે ગૃહની સેવામાંથી સસ્પેન્ડ કરવાનું કમિટીએ નક્કી કર્યું હતું.

58 વર્ષના જૉન્સને સાંસદ તરીકે સંસદમાંથી રાજીનામું આપ્યું તેના એક દિવસ બાદ કોમન્સ પ્રિવિલેજ કમિટીએ પાર્ટીગેટ કૌભાંડમાં તેનો અંતિમ નિંદાકારક અહેવાલ બહાર પાડ્યો હતો. સમિતિના સભ્યોએ તેમની વિરુદ્ધ “વિચ હન્ટ” કર્યું હોવાનો જૉન્સને આરોપ મૂક્યો હતો. સમિતિએ પોતાની અખંડિતતા પરના હુમલાઓની પણ ખૂબ ટીકા કરી હતી.

કોમન્સ પ્રિવિલેજ કમિટીના અહેવાલમાં જણાવાયું હતું કે  “અમે તારણ કાઢ્યું હતું કે ગૃહને જાણી જોઈને ગેરમાર્ગે દોરીને જૉન્સને ગંભીર તિરસ્કાર કર્યો છે. સરકારના સૌથી વરિષ્ઠ સભ્ય અને વડા પ્રધાન દ્વારા તે થયો હોવાથી આ તિરસ્કાર વધુ ગંભીર હતો. જો કે સાંસદ તરીકે જૉન્સને રાજીનામું આપતા તેમના સસ્પેન્શનની મંજૂરી અશક્ય બની હતી. શુક્રવાર તા. 9 જૂનની ઘટનાઓ પહેલા ઇરાદાપૂર્વક ગૃહને ગેરમાર્ગે દોરવા; ઇરાદાપૂર્વક સમિતિને ગેરમાર્ગે દોરવી; આત્મવિશ્વાસનો ભંગ; સમિતિને પ્રભાવિત કરવી અને તેના દ્વારા ગૃહની લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવી; દુરુપયોગની ઝુંબેશમાં સામેલ થવુ અને સમિતિને ધાકધમકી આપવાનો પ્રયાસ કરવાની આરોપસર જૉન્સનને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરવાની ભલામણ કરવા સંમત થયા હતા. જેથી રીકોલ ઓફ એમપી એક્ટ અતર્ગત કામ થઇ શકે. બ્રિટિશ વડા પ્રધાને હાઉસ ઓફ કોમન્સને જાણીજોઈને ગેરમાર્ગે દોર્યું હોય તેવી કોઈ દાખલો હજુ સુધી નોંધાયો નથી. જે ગૃહ અને જનતા માટે સૌથી વધુ મહત્વનું છે અને તેમણે તે વારંવાર કર્યું હતું”.

કમિટીએ જૉન્સન પર “વિચ હન્ટ” અને “કાંગારૂ કોર્ટ” જેવા અવમૂલ્યન કરતા શબ્દો સાથે યોગ્ય સંસદીય પ્રક્રિયા પર હુમલાઓ કરી વધુ તિરસ્કાર કરવાનો આરોપ મૂક્યો હતો.

LEAVE A REPLY

four × 4 =