બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોથી હંમેશા વિવાદ ઊભો કરે છે. ભારતની આઝાદી વિશે વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદનો ઊભો કરનારી કંગના સામે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા હતા. આ બાબતે તમામે કંગનાનો પદ્મશ્રી એવોર્ડ પરત લેવા ભારત સરકારને અનુરોધ કર્યો છે. પૂણેના બાલગાંધર્વ ચોકમાં એનસીપીના કાર્યકરોએ કંગનાની વિરુદ્ધ જોરદાર દેખાવો કર્યા હતા અને ‘કંગના પદ્મશ્રી વાપસ દો’ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કંગનાએ તેના વિવાદાસ્પદ નિવેદનમાં જણાવ્યું હતું કે, 1947માં મળેલી આઝાદી ‘ભીખ’ હતી. સાચી આઝાદી તો વર્ષ 2014 પછી મળી છે. આ નિવેદન કરીને દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા સ્વાતંત્ર્ય સૈનિકોનું તેણે ગંભીર અપમાન કર્યું છે એવો મુદ્દો આગળ ધરી શિવસેના, એનસીપી અને અન્ય વિપક્ષોએ જોરશોરથી વિરોધ નોંધાવ્યો છે. એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે કડક શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કંગનાએ નશામાં આ નિવેદન કર્યું હોય એવું લાગે છે. કેન્દ્ર સરકારે કંગનાને અપાયેલો પદ્મશ્રી એવોર્ડ પાછો લઇનેનતેની ધરપકડ કરવી જોઇએ.