મુંબઈ પોલીસે અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલીને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. કોર્ટના આદેશને પગલેબંને વિરુદ્ધ પર 17 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. કંગનાને પૂછપરછ માટે 26 ઓક્ટોબરે અને તેની બહેન રંગોલીને 27 ઓક્ટોબરે બોલાવવામાં આવી છે. પોતાના નાના ભાઈ અક્ષતનાં લગ્નમાં સામેલ થવા માટે હાલ તો બંને બહેનો હિમાચલપ્રદેશમાં ભાંબલામાં છે. જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા તો ધકપકડ પણ થઇ શકે છે.

આ સમન્સ અંગે પ્રતિક્રિયા આપતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે બહુત યાદ આતી હે કંગના, કોઇ બાત નહીં, જલ્દી આ જાઉંગી.
કંગના રનૌત સામે હિન્દૂ- મુસ્લિમના નામ પર ભાગલા પાડવાનો આરોપ લાગ્યો છે. તે પહેલાં અભિનેત્રી વિરુદ્ધ કર્ણાટકમાં પણ એક FIR દાખલ થઇ છે, ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશ આપ્યો હતો.

સાહિલ અશરફ અલી સૈયદે તેની પિટિશનમાં જણાવ્યું છે કે કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે. તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’ સાહિલે કોર્ટ સમક્ષ પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રાખ્યા હતા.