રાજસ્થાનના પોખરણ રેન્જમાં થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. (PTI Photo)

ભારતે ગુરૂવારે રાજસ્થાનના પોખરણમાં એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ અંતિમ પરીક્ષણ સાથે નાગ મિસાઇલ ઉત્પાદનના તબક્કામાં પ્રવેશ કરશે. તેનું ઉત્પાદન ભારત ડાયનેમિક લિમિટેડ કરશે. આ ઉપરાંત ઓર્ડિનન્સ ફેક્ટરી મેડક આ મિસાઇલના પ્લેટફોર્મ NAMICAનું ઉત્પાદન કરશે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) સંપૂર્ણપણે સ્વદેશી સાધન સામગ્રી દ્વારા આ મિસાઇલ તૈયાર કર્યું હતું. આજે ગુરૂવારે સવારે પોણા સાત વાગ્યે આ ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ થયું હતું. આ પ્રકારના મિસાઇલ્સની આ ત્રીજી પેઢી હતી. ડીઆરડીઓ દ્વાર અવારનવાર આ મિસાઇલના જુદા જુદા પ્રયોગો કરવામાં આવતા હતા.

અત્યાર અગાઉ 2017, 2018 અને 2019માં નાગ મિસાઇલના વિવિધ પરીક્ષણો કરાયાં હતાં. આ મિસાઇલ વજનમાં તદ્દન હળવા છે અને તે અચૂક નિશાન હાંસલ કરે છે અને શત્રુની ટેન્કના ટુકડે ટુકડા કરી નાખે છે. માત્ર ટેન્ક નહીં, શત્રુનાં બીજાં શસ્ત્રોને પણ આ મિસાઇલ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ટૂ્ંકી અને મિડિયમ રેંજ ધરાવે છે જે ફાઇટર જેટ વિમાન, વૉર શીપ અને અન્ય સાધનો જોડે રાખીને પણ વાપરી શકાય છે.ભારતે છેલ્લા એક મહિનામાં અલગ અલગ રીતે અડધો ડઝન સ્વદેશી મિસાઇલન્સના ટેસ્ટ સફળ રીતે કર્યા હતા.