(ANI Photo)

સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા વિવાદ સામે આવ્યો છે. સુકાનીપદ પરથી હટાવવા મામલે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીના અલગ-અલગ નિવેદનોને કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ઉઠી છે. તેવામાં હવે આ વિવાદને લઈને વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન કપિલ દેવ વિરાટ કોહલીના નિવેદનથી ભારોભાર નારાજ છે.

કપિલ દેવે કહ્યું છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ બીસીસીઆઈ સામે ખોટા સમયે નિવેદન આપીને બિનજરૂરી વિવાદ ઉભો કર્યો છે. બુધવારે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તેમાં તેણે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીના એ દાવાને રદિયો આપી દીધો હતો કે, જેમાં તેણે કહ્યું હતું અમે વિરાટ કોહલીને ટી20નું સુકાનીપદ ન છોડવા માટે વિનંતી કરી હતી. કોહલીએ કહ્યું હતું, ટી20 ટીમનું સુકાનીપદ છોડવાના નિર્ણયને બોર્ડ દ્વારા આવકારવામાં આવ્યો હતો.