પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફ્રાન્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે બ્રિટનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને કારણે માત્ર નિયુક્ત કેટેગરીના લોકોને જ બંને દેશો વચ્ચે પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવશે અને બ્રિટનમાંથી આવતા દરેક વ્યક્તિએ સેલ્ફ ક્વોરેન્ટાઇન થવું પડશે. જોકે ટ્રક ડ્રાઇવરને નવા નિયમોમાં મુક્તિ મળશે. તેનાથી સપ્લાય ચેઇનમાં અવરોધ અંગેની બ્રિટનની ચિંતા હળવી થશે.

ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે કહ્યું કે, બ્રિટનમાં ઓમિક્રોન વેરિયન્ટના ફેલાવાને જોતા શુક્રવારે મધરાત પછી શનિવારથી નવા નિયમો લાગુ થશે. ફ્રાંસ સરકારના એક પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, બ્રિટનથી પર્યટન અને બિઝનેસ પ્રવાસ સંપૂર્ણ રીતે બંધ રહેશે અને બ્રિટનથી આવતા મુસાફરોને 24 કલાક પહેલાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.અચાનક ઉઠાવાયેલા આ પગલાંથી મુસાફરી કરનારા બંને દેશોના લોકોના આયોજનો ખોરવાઈ જશે. કેટલાક મુસાફરોએ આ પગલાંને રાજકારણથી પ્રેરિત હોવાને લઈને સવાલ ઉભા કર્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસના પ્રવક્તા મેક્સ બ્લેને કહ્યું કે, આ પગલાંને લઈને જોન્સનની ફ્રાંસના પ્રેસિડન્ટ ઈમેનુઅલ મેક્રોં સાથે કોઈ ચર્ચા નથી થઈ અને બ્રિટનની આ પ્રકારની જવાબી કાર્યવાહીની કોઈ યોજના નથી.

બ્રિટનમાં બુધવારે કોરોનાના નવા 78,610 કેસ નોંધાયા હતા. જે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક મામલા છે. સંક્રમણના નવા કેસો માટે વાયરસના ડેલ્ટા વેરિયન્ટની સાથે-સાથે ઓમિક્રોન વેરિયન્ટ પણ મુખ્ય રીતે જવાબદાર છે. આ પહેલા બ્રિટનમાં સૌથી વધુ દૈનિક મામલા 8 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. એ સમયે 68,053 નવા કેસ નોંધાયા હતા.