ભારતના ક્લાસિક નૃત્ય, કલા અને સાહિત્યના વિદ્વાન કપિલા વાત્સ્યાન (ડાબી બાજુ) 6 માર્ચ 2010માં નવી દિલ્હી ખાતે વીમેન્સ લીડરશીપ સમિત 2010 દરમિયાન પીઢ ફિલ્મ અભિનેત્રી શર્મિલા ટાગોર (જમણી બાજુ) સાથે વાતચીત કરતાં હતા તે સમયની તસવીર (Getty Images)

વિખ્યાત લેખિકા, વિદ્વાન અને કળાના મર્મજ્ઞ પદ્મવિભૂષણ કપિલા વાત્સ્યાયનનું બુધવારે, 16 સપ્ટેમ્બરે ૯૨ વર્ષની ઉંમરે તેમના દિલ્હીના નિવાસસ્થાને નિધન થયું હતું. દિલ્હીના તેમના નિવાસસ્થાન ગુલમોહર એન્ક્લેવ ખાતે સવારે નવ કલાકે તેમનું મૃત્યુ થયું હતું, એમ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના સચિવ કાનવાલ અલીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાત્સ્યાયન ઈન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરના લાઇફટાઇમ ટ્રસ્ટી હતા.

૨૦૧૧માં કપિલાને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સના તેઓ ફાઉન્ડિંગ ડિરેક્ટર હતા. આ સિવાય તેઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને આઇઆઇસી ખાતે એશિયા પ્રોજેક્ટના અધ્યક્ષા પણ હતા. તેમનો જન્મ દિલ્હીમાં ૧૯૨૮માં થયો હતો. તેઓએ દિલ્હી યુનિવર્સિટીથી ઇંગ્લિશ લિટ્રેચરમાં માસ્ટર્સ અને અમેરિકાની મિશિગન યુનિવર્સિટીથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ કવિ કેશવ મલિકના નાના બહેન હતા.