Getty Images)

અમેરિકામાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઈડના મૃત્યુ પાછળ પોલીસના વંશીય ભેદભાવયુક્ત વર્તન સામે સમગ્ર વિશ્વમાં આક્રોશ ફાટી નિકળ્યા પછી હવે ક્રિકેટમાં વંશીય ભેદભાવનો વિવાદ જાગ્યો છે. ભારતની લોકપ્રિય ક્રિકેટ સ્પર્ધા અને ટીકાકારોના મતે તમાશા ક્રિકેટ ગણાતી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની સાથે વંશીય ભેદભાવયુક્ત વર્તન કરાયાનો આક્ષેપ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી અને ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સામીએ કર્યો છે.

સામીએ ગયા સપ્તાહે કહ્યું હતું કે લીગમાં હૈદરાબાદ ફ્રેન્ચાઇઝ તરફથી રમતી વખતે તેને તથા શ્રીલંકાના થિસારા પરેરાને વંશીય ભેદભાવયુક્ત ટીપ્પણીઓના ટાર્ગેટ બનાવાયા હતા. સામી કહે છે કે તેને અને પરેરાને ‘કાલૂ’ કહીને બોલાવતા હતા, જેનો મતલબ હવે તે સમજી ગયો છે. એ સમજાયા પછી તેને ગુસ્સો આવે છે.

સામીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ ઉપર જણાવ્યું હતું કે, મને હમણાં જ ‘કાલૂ’ શબ્દનો અર્થ સમજાયો. હું IPLમાં સનરાઈઝર્સ તરફથી રમતો હતો, ત્યારે મને અને થિસારા પરેરાને આ જ નામથી બોલાવતા હતા. મને લાગ્યું કે તેનો અર્થ એક મજબૂત ઘોડો છે. પરંતુ હવે મને ખબર પડી ગઈ છે કે તેનો અર્થ શું છે.” જોકે, આ પોસ્ટમાં તે સ્પષ્ટ નથી થયું કે તેને આ જાતિવાદી શબ્દથી કોણ બોલાવતું હતું. સાથી ખેલાડીઓ અથવા ચાહકો અથવા કોઈ અન્ય.

સામી અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની મોત પછી થઈ રહેલા દેખાવોને સમર્થન આપી રહ્યો છે. તેણે ક્રિકેટ જગતમાં પણ વંશીય ભેદભાવ સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. તેણે એક ટ્વીટ કરી હતી કે, અમેરિકામાં પોલીસે બ્લેક અમેરિકનનું ગળું દબાવતો વીડિયો જાહેરમાં આવ્યા પછી પણ ક્રિકેટ જગત આ લડાઈ માટે કોઈ આગેવાની નથી લેતું તો આ એક સમસ્યાનો ભાગ હશે. તેણે વધુમાં કહ્યું કે, વંશીય ભેદભાવ ફક્ત અમેરિકા પુરતો સીમિત નથી. દુનિયામાં દરેક જગ્યાએ બ્લેક લોકો તેનો સામનો કરી રહ્યા છે.

આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેઈલે પણ ક્રિકેટમાં વંશીય ભેદભાવ હોવાની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, “બ્લેક લોકોનું જીવન અન્ય લોકોની જેમ કિંમતી છે. હું આખી દુનિયા ફર્યો છું. મેં પણ ઘણી વંશીય ભેદભાવની વાતો સાંભળી છે, કારણ કે હું બ્લેક છું.