વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાશી વિશ્વધામના નવા પરિસરનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પૂજા કર્યા પછી તેમણે મંદિરના નિર્માણમાં સામેલ શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કર્યું હતું અને તેમની સાથે તસવીર પણ લેવડાવી હતી.
વડાપ્રધાને કાશી વિશ્વનાથ કોરિડોરનું શુભ મુહૂર્તમાં લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ ભવ્ય ધામ ભક્તોને ભૂતકાળના મહિમાનો અહેસાસ કરાવશે. હવે 50 હજારથી વધુ ભાવિકો આ પરિસરમાં આવી શકશે. આજે વિશ્વનાથ ધામ અનંત ઊર્જાથી ભરેલું છે. આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે. આ પહેલા તેણે કહ્યું કે, મેં બાબાની સાથે સાથે કાલભૈરવજીના દર્શન પણ કર્યા છે. દેશવાસીઓ માટે તેમના આશીર્વાદ લઈને આવ્યો છું. કાશીમાં કંઈ ખાસ, કંઈ નવું હોય, તે તેમને પૂછવું જરૂરી છે. હું પણ કાશીના કોતવાલના ચરણોમાં વંદન કરું છું.
કાશી તો કાશી છે! કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેમના હાથમાં ડમરુ છે, તેમની સરકાર છે. મોદીએ કહ્યું કે જ્યાં ગંગા તેનો પ્રવાહ બદલીને વહે છે તે કાશીને કોણ રોકી શકે છે. ભગવાન શંકરે પોતે કહ્યું છે કે મારી ઈચ્છા વિના કાશીમાં કોણ આવી શકે છે, અહીં જે કંઈ થાય છે તે મહાદેવની ઈચ્છાથી જ થાય છે. આ જે પણ થયું છે તે મહાદેવે જ કર્યું છે. જ્યારે તમે અહીં આવો છો, ત્યારે તમને માત્ર શ્રદ્ધાના દર્શન જ નહીં થાય, તમે અહીં તમારા ભૂતકાળનું ગૌરવ પણ અનુભવશો. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે, પ્રાચીનકાળની પ્રેરણાઓ કેવી રીતે ભવિષ્યને દિશા આપી રહી છે, તેના દર્શન આપણે વિશ્વનાથ ધામ સંકુલમાં કરી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે વિશ્વનાથ ધામનું આ નવું પરિસર એક માત્ર ભવ્ય ભવન નથી, આ પ્રતીક છે આપણાં ભારતની સનાતન સંકૃતિનું. આ પ્રતીક છે આપણી આધ્યાત્મિક આત્માનું. ભારતની પ્રાચીન પરંપરાઓનું પ્રતીક છે. અગાઉ અહીં મંદિર માત્ર 3 હજાર સ્ક્વેર ફૂટમાં જ હતું, જે હવે લગભગ 5 લાખ સ્ક્વેર ફૂટનું થઈ ગયું છે.
હું જ્યારે પણ બનારસ આવતો હતો તો એક વિશ્વાસ લઈને આવતો હતો. મને મારા કરતાં પણ બનારસના લોકો પર વધુ વિશ્વાસ હતો. આજે હિસાબ-કિતાબ કરવાનો સમય નથી. પરંતુ મને યાદ છે કે ત્યારે કેટલાક લોકો હતા જેઓ બનારસના લોકો પર શંકા કરતાં હતા. કેવી રીતે થશે, થશે જ નહીં, અહીં તો આવું જ ચાલતું રહેશે, મોદી જેવા તો ઘણા આવીને જતાં રહ્યા, પણ મને બનારસના લોકો પર વિશ્વાસ હતો.
આ પહેલાં વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટમાં સવાર થઈને લલિતા ઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ કાલભૈરવ મંદિરની પૂજા કર્યા બાદ ખિડકિયા ઘાટ પહોંચ્યા હતા. આ ઘાટને તાજેતરમાં જ મનોરમ ઘાટ તરીકે વિકસાવ્યો છે. વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરીને ગંગાજળથી બાબા વિશ્વનાથને અભિષેક કર્યો હતો.