FBIનાના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે વોશિંગ્ટનમાં એજન્સીનું ઐતિહાસિક, પરંતુ જૂનું મુખ્યાલય કાયમી ધોરણે બંધ કરાશે અને તેના કર્મચારીઓને એક સમયે બંધ કરાયેલી યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ની રેગન ઇમારતમાં ખસેડવામાં આવશે.
કાશ પટેલે શુક્રવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે 20 વર્ષથી વધુ સમયના નિષ્ફળ પ્રયાસો પછી અમે FBIના હૂવર મુખ્યાલયને કાયમી ધોરણે બંધ કરવાની તથા કર્મચારીઓને સુરક્ષિત, આધુનિક સુવિધામાં ખસેડવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તેનાથી કરદાતાઓના નાણાની બચત થશે અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરી શકાશે.
૧૯૭૫માં પેન્સિલવેનિયા એવન્યુ પર ખુલ્લુ મુકવામાં આવેલું જે એડગર હૂવર બિલ્ડિંગ મધ્ય 20મી સદીની સ્થાપત્ય શૈલીમાં બનાવાયેલું છે અને તે લાંબા સમયથી જર્જરિત થઈ ગયું છે. ટીકાકારો માને છે કે હવે તે FBI માટે યોગ્ય નથી. મુખ્ય મથકને ક્યાં સ્થાનાંતરિત કરવું તે અંગેનો સંઘર્ષ વર્ષો સુધી ચાલ્યો હતો.
રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ન્યાય વિભાગસ વ્હાઇટ હાઉસ અને બીજા ફેડરલ સંસ્થાઓની નજીક છે. પરંતુ આ મેરીલેન્ડ માટે એક આંચકો છે, જેને 2023માં લાંબી શોધ પછી નવા મુખ્યાલયનું વચન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે કોંગ્રેસે વોશિંગ્ટનની બહાર ગ્રીનબેલ્ટના ઉપનગરમાં બાંધકામ માટે ભંડોળ પૂરું પાડ્યું હતું.













