Corona epidemic

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ-ઓમિક્રોને સાઉથ આફ્રિકામાં હાહાકાર મચાવ્યો છે અને દેશના પ્રેસિડેન્ટ સિરિલ રામફોસા પણ તેનાથી સંક્રમિત થયા છે. તેઓ અત્યારે સારવાર હેઠળ છે, જોકે તેમને હળવા લક્ષણો છે. બીજી તરફ સાઉથ આફ્રિકામાં 24 કલાકમાં કોરોનાના નવા 37 હજાર કેસ નોંધાયા છે. અગાઉના 17 હજાર નવા કેસ સામે જોવા મળ્યા હતા.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી બહાર નીકળેલા પ્રેસિડેન્ટ રામફોસાને પોતાની તબિયત સારી નહીં હોવાનું જણાવ્યું હતું. તેમણે વેક્સીનના બે ડોઝ લીધા હોવા છતાં તેઓ સંક્રમિત થયા છે. અત્યારે તેઓ કેપટાઉન ખાતેના નિવાસસ્થાને આઈસોલેશનમાં છે. તેમણે પોતાનો ચાર્જ વાઇસ પ્રેસિડેન્ટને સોંપ્યો છે. પ્રેસિડેન્ટે લોકોને અપીલ કરી છે કે, કોરોના વેક્સીન લગાવો અને કાળજી રાખો.
સાઉથ આફ્રિકા અત્યારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેના માટે ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું કહેવાય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર પ્રેસિડેન્ટ રામફોસાને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.