બનારસસ્થિત શ્રી કાશી વિશ્વનાથ ધામનું સંચાલન લંડનની કંપની અર્ન્સ્ટ એન્ડ‍ યંગ કંપની કરશે. તાજેતરમાં ધામની વિશિષ્ઠ વિકાસ પરિષદની બેઠકમાં આ કંપનીના નામને મંજૂરી આપવામાં આવેલ છે. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી અને નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર દીપક અગ્રવાલે જણાવેલ કે કાશી વિશ્વનાથ ધામનું સંચાલન અને દેખરેખ પીપીપી મોડલ ઉપર કરાશે. જેની જવાબદારી બ્રિટિશ કંપની અર્ન્સ્ટ એન્ડ યંગને આપવામાં આવી છે. આ કંપની કુંભમેળામાં પણ કન્સલ્ટન્ટનું કામ કરી ચૂકી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કંપનીને કામ સોંપાયું છે. ધામમાં નિર્માણાધીન લગભગ 10 ભવનોનો પ્રોફેશનલ ઉપયોગ થશે. ઉપરાંત ફર્નિચર ખરીદ કરવા આદેશ આપવાની સાથે ભવનોના સંચાલન માટે કંપનીઓને આમંત્રિત કરી તેમની પાસેથી સારા સંચાલન કરાવા બાબતે ચર્ચા થઇ હતી.