ભારતમાં નિર્મિત સૌપ્રથમ સ્વદેશી કોરોના રસી-કોવેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ટેક્નિકલ કમિટીએ ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપવા ભલામણ કરી છે. બુધવારે ટેક્નિકલ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. મંજૂરી આપતા પહેલા સંસ્થાએ કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપની- ભારત બાયોટેક પાસેથી વેક્સિન અંગે વધારાની માહિતી માંગી હતી. ઈમર્જન્સી યુઝ લિસ્ટ (ઈયુએલ) માટે એક ટેક્નિકલ સલાહકાર જૂથ એક સ્વતંત્ર ગ્રૂપ છે, જે સંસ્થાને વિવિધ ભલામણ કરે છે. કોરોના સામે સુરક્ષા આપતી વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે તેને યાદીમાં સામેલ કરવી કે નહીં તે અંગેની સલાહ આ જૂથ આપે છે. કોવેક્સિનનું ઉત્પાદન કરતી ભારત બાયોટેકે પોતાની રસીના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા સંસ્થા સમક્ષ 19 એપ્રિલે અરજી કરી હતી.
અત્યાર સુધીમાં સંસ્થાએ કુલ છ રસીને મંજૂરી આપી છે, જેમાં ફાઈઝર/બાયોએનટેકની કોમિરનેટી, એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ, જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન મોડર્નાની એમઆરએમ-1273, સિનોફાર્મની બીબીઆઈબીપી-કોરવી અને સિનોવૈકની કોરોનાવૈકનો સમાવેશ થાય છે. હવે કોવેક્સિનનો આ યાદીમાં સાતમી રસી તરીકે સમાવેશ થશે.
વિશ્વભરના તજજ્ઞોની બનેલી ટેક્નિકલ કમિટીએ નિર્ધારિત કર્યું છે કે કોવેક્સિન કોરોના સામે સુરક્ષા માટે સંસ્થાના ધોરણોનું પાલન કરે છે. કોવેક્સિનના જોખમો કરતા તેના લાભ અનેક છે અને તેનો ઉપયોગ વિશ્વના અન્ય ભાગમાં કરી શકાય છે.