કેન્યાના નાઇરોબીથી 190 કિ.મી. દૂર આવેલા સોલાઈ ગામ પાસે મે, 2018માં ભારે વરસાદના પગલે એક ડેમ તૂટી જતાં કેટલાય લોકોના ઘર વિનાશક પૂરમાં તણાઈ ગયા હતા, તો લગભગ 50 જેટલા લોકોના ડૂબી જવા કે તણાઈ જવાથી મોત નિપજ્યા હતા. આ ઘટનાના સંદર્ભમાં ડેમના માલિક તથા કેટલાય સરકારી અધિકારીઓ સહિત 9 લોકોની સામે ‘મેનસ્લોટર’ (સાપરાધ માનવવધ) ના આરોપો મુકાયા હતા, પણ એ કેસમાં ગયા સપ્તાહે નૈવાશાના ચીફ મેજિસ્ટ્રેટે ચુકાદો આપતાં એવું કહ્યું હતું કે પ્રોસિક્યુશન (સરકાર) આ કેસ માટે પ્રતિબદ્ધ નથી જણાતી અને તે સંજોગોમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો આદેશ અપાય છે. આરોપીઓએ પોતે કઈં જ ખોટું નહીં કર્યાનું રટણ સતત કર્યું હતું, તો સરકાર પક્ષે એવું કહ્યું છે કે, તે આ ચુકાદા સામે અપીલ કરશે.
સોલાઈ કે પટેલ ડેમ તરીકે ઓળખાતો આ બંધ તૂટી જવાની ઘટનામાં થયેલી અત્યાર સુધીની તપાસમાં એવું જણાયું હતું કે, ડેમનું બાંધકામ યોગ્ય લાયકાત વિનાના લોકો દ્વારા કરાયું હતું અને તે બનાવાયો તેના કારણે પર્યાવરણના કાયદાઓનું ઉલ્લંઘન પણ થયું હતું. પણ કોર્ટમાં 18 મહિનાની કાર્યવાહી પછી પણ કેસમાં ખાસ કોઈ પ્રગતિ નહીં થતાં નૈવાશાના ચીફ મેજિસ્ટ્રેટ કેનેડી બિલાલીએ એ જ કારણે આરોપીઓને છોડી મુક્યા હતા. તેઓએ પ્રોસિક્યુશન સામે એવો પણ આરોપ મુક્યો હતો કે, તેઓએ સંખ્યાબંધ વખત ફક્ત મુદતની માંગણી કરતા રહીને કોર્ટને બાનમાં લીધી હતી, આરોપીઓ પણ ન્યાયપૂર્ણ કાર્યવાહીના હકદાર છે.