2019ની ફાઇનલના પુનરાવર્તન સમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રનર્સ અપ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલની 13મી સિઝનની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આઇપીએલ 2020 માટેના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે જેમાં 29મી માર્ચે ટુર્નામેન્ટનો પ્રારંભ થશે જ્યારે 24મી મેએ ફાઇનલ રમાશે.

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને બાદ કરતાં બાકીની તમામ ફ્રેન્ચાઇઝી પોતાની હોમ મેચ હોમગ્રાઉન્ડ પર જ રમશે જ્યારે રાજસ્થાન રોયલ્સ જયપુર સિવાયના મેદાનો પર પણ રમશે. ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ રમનારી છે અને તેની અંતિમ મેચ 18મી માર્ચે રમાયા બાદ એક સપ્તાહમાં જ તેના ખેલાડીઓ આઇપીએલ માટે સજ્જ થઈ જશે.

આઇપીએલના જાહેર કરાયેલા કાર્યક્રમમાં નોક આઉટ મેચોના સ્થળ નક્કી કરાયા નથી પરંતુ 24મી મેએ ફાઇનલ રમાશે તે નક્કી થઈ ગયું છે. આ વખતે માત્ર રવિવારે જ બે મેચો રમાશે તે સિવાય અન્ય તમામ દિવસે એક જ મેચ રમાશે. અગાઉ દર શનિવાર અને રવિવારે બે મેચ રમાતી હતી પરંતુ તેને બદલે આ વખત માત્ર રવિવારે જ સાંજે 4.00 કલાકે અને ત્યાર બાદ 8.00 કલાકે એમ બે મેચ રમાશે. અંતિમ લીગ મેચ 17મી મેએ રમાશે ત્યાર બાદ પ્લેઓફ મેચો અને ફાઇનલ રમાશે. રવિવારને બાદ કરતાં તમામ મેચ સાંજે 8.00 કલાકે શરૂ થશે.