Renovation of Kejriwal's house at a cost of Rs 45 crore
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે 14 જૂન 2021ના રોજ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. (PTI Photo)

આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના વ્યાપમાં વધારો કરવા સોમવારે અમદાવાદની મુલાકાતે આવેલા પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. કેજરીવાલે ગુજરાતના એક નવા મોડલનું વચન આપ્યું હતું અને તેમના કહેવા પ્રમાણે દિલ્હીનું મોડલ અલગ છે અને ગુજરાતનું એક અલગ મોડલ હશે.

કેજરીવાલે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતા. વિધાનસભા ચૂંટણી પૂહેલા ગઢવીની આપમાં એન્ટ્રી પક્ષનું એક મહત્વનું પગલું મનાઈ રહી છે.

અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે તેમની પાર્ટી ગુજરાતના લોકોના મુદ્દાઓ પર રાજકારણ કરશે. 2022માં અહીંની જનતાના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે અને ચહેરો પણ અહીંનો જ હશે.

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મીલીભગત હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે, આ 27 વર્ષ કોંગ્રેસ-ભાજપની મિત્રતાની વાર્તા છે. એવું કહેવાય છે કે, કોંગ્રેસ ભાજપના ખીસ્સામાં જ છે અને ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમને કોંગ્રેસ સપ્લાય કરે છે. કેજરીવાલે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોરોના કાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું હતું.

2022ના અંતમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 182 સભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભા પર છેલ્લા 20 વર્ષથી ભાજપનો કબજો છે. ફેબ્રુઆરી મહિનામાં પણ અરવિંદ કેજરીવાલે સુરત ખાતે રોડ શો કર્યો હતો.

અગાઉ રવિવારે ગુજરાતીમાં ટ્વીટ કરીને કેજરીવાલે જણાવ્યું હતું કે હવે બદલાશે ગુજરાત…કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઇ બહેનોને મળીશ. આમ આદમી પાર્ટી (AAP)એ 2017માં વિધાનસભાની ચૂંટણી લડીને રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ પક્ષને એકપણ બેઠક મળી ન હતી. જોકે આ વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને થોડી સફળતા મળી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને 27 બેઠકો મળી હતી. પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 42 બેઠકો મળી હતી.