ભારતીય ક્રિકેટર આર. અશ્વિન(Photo by Gareth Copley/Getty Images)

ભારતીય ક્રિકેટર આર. અશ્વિન અને મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજની સાથે સાથે ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી, એથ્લીટ નીરજ ચોપરા અને ટેબલ ટેનિસ સ્ટાર અચિંત શરથ કમલનું નામ દેશના સર્વોચ્ચ સન્માન – રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. શૂટિંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા અંજુમ મુદગિલ અને અંકુર મિત્તલ તેમજ તીરંદાજીમાં જ્યોતિ સુરેખા વેન્નામ પણ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે.

દેશના સર્વોચ્ચ રમત એવોર્ડ ખેલ રત્નની સાથે સાથે અર્જુન એવોર્ડ સહિતના વિવિધ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે તમામ રમતના ફેડરેશનો તેમજ એસોસિએશનો વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા ખેલાડીઓના નામ રમત-ગમત મંત્રાલયને મોકલે છે. એ પછી મંત્રાલયની કમિટી અંતિમ નિર્ણય લેશે.

ક્રિકેટ બોર્ડે વેટરન સ્પિનર અશ્વિન અને મહિલા ક્રિકેટર મિતાલી રાજને ખેલ રત્ન માટે નોમિનેટ કર્યા છે. જસપ્રીત બુમરાહ, શિખર ધવન અને લોકેશ રાહુલના નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યા છે. ભારતીય  ફૂટબોલ ફેડરેશને સુનિલ છેત્રીને ખેલ રત્ન અને બાલા દેવીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. ગેબ્રિયલ જોસેફના નામની ભલામણ દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરવામાં આવી છે.

ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને ટોચના જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાનું નામ ચોથી વખત ખેલ રત્ન એવોર્ડ માટે મોકલાવ્યું છે. ગોલ્ફર શુભંકર શર્માને પણ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ ફેડરેશને અચિંત શરથ કમલને ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. ગુજરાતના માનવ ઠક્કરની સાથે ઐહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જીને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે.

નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ અંજુમ મુદગિલ અને ડબલ ટ્રેપ શૂટિંગના વર્લ્ડ ચેમ્પિયન અંકુર મિત્તલને ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કર્યા છે. ઈલાવેનિલ વાલારિવન અને અભિષેક વર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.