બોની કપૂર અને શ્રીદેવીની બંને પુત્રીઓ ફિલ્મ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી રહી છે. મોટી પુત્રી જ્હાન્વીએ બોલીવૂડમાં પોતાનું એક અલગ સ્થાન જમાવ્યું છે, પરંતુ ખુશી હજુ પણ તેમાં સફળ થઇ નથી. જોકે, આમિર ખાનના પુત્રી જુનૈદ ખાન સાથેની ‘લવયાપા’માં તેના અભિનયની પ્રશંસા થઇ હતી.ઇબ્રાહિમ અલી ખાન સાથેની ‘નાદાનિયાં’ પછી આ તેની બીજી ફિલ્મ હતી.
જોકે, ખુશીનું નામ ફેશન જગતમાં ખૂબ જાણીતું છે. તાજેતરમાં જ બોમ્બે ફેશન વીકમાં તે ગુજરાતી ડિઝાઇનર્સ શ્યામલ અને ભૂમિકા માટે શો સ્ટોપર રહી હતી. તેણે સ્કારલેટ રેડ કલરના શીમરી ચોલી પહેર્યાં હતાં. આ શો પછી ખુશીએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે, ફેશનને સમયના બંધનો નથી હોતાં. હું આજે પણ મારી મમ્મીના કપડાં પહેરું છું, મારી મોટી બહેનના કપડાં પહેરું છું. તો મને લાગે છે, તમે એ કપડાં કઈ રીતે પહેરો છો, તે મહત્વનું છે.
કપડાં મહત્વનાં નથી.” ખુશીને જ્યારે તેની ફેશન આઇકન અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મને લાગે છે કે મારા માટે મારી મોટી બહેન હંમેશાથી આઇકોન રહી છે.” ખુશીની લવયાપા ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે, બોક્સ ઓફિસ પર તો તે ખાસ સફળ થઇ નહીં પરંતુ ડિજિટલ મીડિયા પર તેને સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
