ભારતમાં બેન્કોના હજારો કરોડો રૂપિયા ડુબાડીને વિદેશ ભાગી જનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાની કિંગફિશર કંપનીના હેડક્વાર્ટરનું અંતે વેચાણ થયું છે. હૈદ્રાબાદની એક રિઅલ એસ્ટેટ કંપની દ્વારા તેને રૂ. 52 કરોડમાં ખરીદવામાં આવ્યુ છે. અગાઉ પણ વિજય માલ્યાના લેણદારોએ આ પ્રોપર્ટી વેચવાનો પ્રયાસ કર્યો હતો પણ તેની રિઝર્વ પ્રાઈસ એટલી ઉંચી રાખવામાં આવી હતી કે, ડીલ થઈ રહી નહોતી. આ અગાઉ કિંગફિશર હાઉસની હરાજી કરવાના આઠ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. માર્ચ 2016માં બેન્કોએ તેની રિઝર્વ પ્રાઈઝ રૂ. 150 કરોડ રાખી હતી અને અત્યાર સુધી પ્રોપર્ટી નહીં વેચાવાનું આ મુખ્ય કારણ હતું.
આ બિલ્ડિંગ ત્રણ માળની છે અને તેનો વિસ્તાર 1586 ચોરસ મીટર છે. જયારે આખો પ્લોટ 2402 ચોરસ મીટરનો છે. જાણકારોના મતે આ પ્રોપર્ટી મુંબઈ એરપોર્ટની બહારના વિસ્તારમાં છે અને બેન્કોએ તેની કિંમત વધારે આંકી હતી.
ઉલ્લેખનીય છે કે, કિંગફિશર એરલાઈન્સને ચાલુ રાખવા માટે બેન્કો પાસેથી માલ્યાએ રૂ. 9990 કરોડની લોન લીધી હતી. કંપનીની હાલત ખરાબ થયા બાદ માલ્યા બેન્કોને લોન પાછી આપી શક્યા નહોતા અને 2012માં એરલાઈન્સ પણ બંધ થઈ ગઈ હતી. એ પછી માલ્યા લંડન ફરાર થઈ ગયા હતા.
જુલાઈ મહિનામાં જ લંડન હાઈકોર્ટે માલ્યાને દેવાળીયા જાહેર કર્યા છે અને સરકાર તેમને ભારત પરત લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.