પ્રસ્તુત તસવીરમાં ડાબેથી મીના પાઠક, કલ્પેશ સોલંકી, પાર્વતીબેન સોલંકી, પૌલોમી સોલંકી, રમણિકલાલ સોલંકી CBE, કિરીટભાઈ પાઠક ©Edward Lloyd 09th November 2011 Asian Trader Awards VIP Guests at Park Plaza Westminster Bridge Hotel in London
  • કલ્પેશ અને શૈલેષ સોલંકી દ્વારા

ઘણાં થોડાક ઉદ્યોગસાહસિકોએ કિરીટ પાઠકની જેમ બ્રિટન પર પોતાની છાપ છોડી છે. એક અગ્રણી અને ‘વિશ્વની દરેક પ્લેટ પર રહેવાની’ હિંમતભરી દ્રષ્ટિ સાથે, તેમણે ‘પાટક’સ બ્રાન્ડની કરી’ને પ્રેમ કરતા દરેક ઘરને મુખ્ય આધાર બનાવીને બ્રિટનમાં રાંધણ કળાની ટેવોમાં ક્રાંતિ લાવી હતી. કિરીટભાઇએ તેમના પિતાના વિનમ્ર ભારતીય ફૂડ બિઝનેસને દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડમાં ફેરવ્યો હતો.

1960ના દાયકાના મધ્યભાગમાં, કિરીટભાઇના પિતા લખુભાઇ અને અમારા પિતા રમણિકલાલ સોલંકી સમકાલીન હતા, જેમણે સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ એકબીજા સાથે શેર કર્યો હતો. લખુભાઇએ અમારા પિતાને ગારવી ગુજરાત શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા અને પેપરનો તે પહેલો અંક પાટક’સની જાહેરાત ધરાવે છે.

અમારા પિતા હંમેશા લંડનના નોર્થ વેમ્બલીમાં નાના ટેરેસ્ડ હાઉસમાં આવતા લખુભાઇની વાતો અમને કહેતા, ત્યારે ગરવી ગુજરાતનો પહેલો અંક તા 1 એપ્રિલ 1968ના રોજ બહાર પડાયો હતો. લખુભાઇએ અમારા પિતાને ખાતરી આપી હતી કે તેમનું સંપૂર્ણ સમર્થન છે અને સતત પ્રોત્સાહિત કર્યા હતા. અમારા પિતા તે પ્રારંભિક સહકારને ક્યારેય ભૂલી શક્યા નહતા અને તે મિત્રતાની શરૂઆત હતી જે છ દાયકા અને ત્રણ પેઢી સુધી જળવાઇ રહી છે.

કિરીટભાઇ પોતાની રીતે અગ્રણી અને ટ્રેઇલબ્લેઝર હતા. પ્રત્યેક સુપરમાર્કેટની શેલ્ફ અને દરેક પ્લેટમાં તેમની પ્રોડક્ટ હોય તે માટેની તેમની દ્રષ્ટિને એક અનેરો ઉત્સાહ, ચાતુર્ય અને તીવ્ર ફ્લેરનો સાથ હતો. કિરીટભાઇ પાસે આ ગુણો ઘણા પ્રમાણમાં હતા.

તેમના પત્ની મીનાબહેન સાથે, તેમણે પ્રોફેશનલ મેનેજરોની ભરતી કરી, ઉત્પાદન પ્રક્રિયાના તમામ ક્ષેત્રોમાં આઇએસઓ 9000ના ધોરણો રજૂ કર્યા હતા અને પાટક’સનું રીબ્રાન્ડેશન કર્યું હતું. જેને કારણે 1993 અને 1994 માં સતત બે વર્ષ માટે તેઓ બ્રિટનની સૌથી ઝડપથી વિકસિત ફૂડ બ્રાન્ડ અને એશિયન બ્રાન્ડ બન્યા હતા.

પ્રચંડ સફળતા છતાં કિરીટભાઇએ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીના સોર્સિંગ માટે વ્યક્તિગત ધ્યાન આપ્યું હતું. વર્ષોની વિકસિત અને ઉત્કૃષ્ટ કુશળતા તેમને પિતા પાસેથી વારસામાં મળી હતી.

ગ્રોસરી ઉદ્યોગના અગ્રણી મેગેઝિન એશિયન ટ્રેડર્સના પ્રકાશકો તરીકે, સુપરમાર્કેટમાં સર્વોચ્ચતા મેળવવા માટે મુખ્ય બ્રાન્ડ્સ વચ્ચેની લડતના અમે સાક્ષી છીએ. વિશ્વના મોટા ફૂડ ગૃપ્સનુ વર્ચસ્વ ધરાવતા બજારમાં શરૂઆતના દિવસોમાં માત્ર બે સાઉથ એશિયન્સ કંપનીઓ મુખ્ય પ્રવાહમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી અને તે પાટક’સ અને ટિલ્ડા રાઇસ છે. અમારા ટાઇટલ્સમાં આ નોંધપાત્ર સફળતાને રેકોર્ડ કરવું અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે.

કિરીટભાઇએ ભારે હૃદયથી એસોસિએટેડ બ્રિટીશ ફૂડ્સને પોતાનો બિઝનેસ વેચ્યો હતો પણ તેમને ખાતરી હતી કે તેઓ સારા કસ્ટોડિયન બની પાટક’સની બ્રાન્ડના મૂલ્યોનું પાલન કરશે. 2007માં પાટક’સના બિઝનેસનું વેચાણ ફરી એક અગ્રેસરું પગલું હતું. તેઓ બજારની ઉંચાઇએથી પોતાના વ્યવસાયમાંથી બહાર નીકળનારા પ્રથમ એશિયન ઉદ્યોગસાહસિકોમાંના એક હતા.

કિરીટભાઇ તેમના મૂળ ક્યારેય ભૂલી શક્યા ન હતા અને એશિયન રિટેલરોની સફળતાની ઉજવણી કરતા એશિયન ટ્રેડર એવોર્ડ્સમાં નિયમિત હાજરી આપતા હતા.

તેઓ એક ગહન આધ્યાત્મિક માણસ હતા અને હંમેશાં અમને વહેલી સવારના ધ્યાન અને ભાગવદ ગીતાના દૈનિક પાઠો વિશે વાત કરતા હતા જે ક્યારેક મોડી સાંજ સુધી ચાલતા હતા. કિરીટભાઈએ મોટા ભાઈની જેમ પોતાનું ડહાપણ જ શેર નહોતું કર્યું પણ અમને પુસ્તકો વાંચવા મોકલ્યા હતા.

તેમના અવસાનથી માત્ર પાઠક પરિવારને જ નહીં, પરંતુ તેમના પ્રેમ અને ઉદાર ભાવનાનો સ્પર્શ મેળવવા ભાગ્યશાળી એવા બધાને ખોટ પડી છે.

સોલંકી પરિવાર અને એએમજી વતી કિરીટભાઇના દુ:ખદ અવસાન અંગે અમે મીનાબેન અને તેમના પરિવારને હાર્દિક સંવેદના પાઠવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ મળે.