ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવાર (24 માર્ચ)એ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યાં છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રોટોકોલ પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

તેમની ગુજરાત યાત્રાનો આરંભ વિધાનસભામાં સંબોધનથી થયો હતો, જે એક ઐતિહાસિક ઘટના હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે.