Krupesh Hirani GLA member

2010થી બ્રેન્ટના કાઉન્સિલર અને આજીવન હેરોમાં વોલંટિયરીંગ ક્ષેત્રે કામ કરનાર કાઉન્સિલર કૃપેશ હિરાણી બ્રેન્ટ અને હેરો માટે લંડનના નવા એસેમ્બલી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે બ્રેન્ટ અને હેરોમાં લેબર પાર્ટી અને મેયરના ઉમેદવાર સાદિક ખાનના મત માટે નોંધપાત્ર પ્રદર્શન કર્યું.

2016ની સરખામણીએ મતદાન ઓછું હોવા છતાં તેમણે લેબરની બહુમતી 20,755થી વધારીને 21,222 કરી હતી. હિરાણીએ વર્ષોથી બનાવેલા સામુદાયીક જોડાણો દ્વારા વિશાળ વ્યક્તિગત મતને આકર્ષ્યા હતા. આ બેઠક જીત્યા બાદ તેમણે ઘણા દાયકાઓ સુધી સમુદાયની સેવા કરનાર અને આ પદ પરથી હટવાનું નક્કી કરનાર પોતાના પૂર્વગામી GLA સદસ્ય નવીનભાઇ શાહના સેવાકાર્યોની સરાહના કરી હતી.

તેમણે લંડન બરો ઑફ કલ્ચર તરીકે તેમણે બ્રેન્ટનું ગયા વર્ષનું નિરીક્ષણ કર્યું હતું અને રોગચાળાના સમયગાળામાં પબ્લિક હેલ્થની દેખરેખ રાખતા કેબિનેટ સભ્ય હતા. તેઓ લંડન બરો ઑફ કલ્ચરનો વારસો આગળ ધપાવતી ચેરિટી – મેટ્રોલેન્ડ કલ્ચરના અધ્યક્ષ છે.

પોતાના વિજય ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે “સિટી હૉલમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે મને ચૂંટવા અને વિશ્વાસ કરવા બદલ હું બ્રેન્ટ અને હેરોના લોકોનો આભારી છું. હું તમામ સમુદાયોની સેવા કરવા લંડન એસેમ્બલી મેમ્બર તરીકે બનતું બધુ કરીશ. મને વિશ્વના શ્રેષ્ઠ શહેરના સૌથી મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરવામાં ખૂબ જ ગર્વ છે. સિટી હૉલ માટેની તાત્કાલિક અગ્રતા નોકરીઓ અને વ્યવસાયને સુરક્ષિત કરવાની છે અને સુનિશ્ચિત કરવું પડશે કે લંડનની રીકવરી બધા માટે યોગ્ય રહેશે.”