રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે. તેમને ઘાસચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદે ઉપાડના કેસમાં જામીન મળ્યા છે. આ કેસમાં લાલુને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે લાલુ પ્રસાદની જામીન અરજી સ્વીકારી લીધી છે. લાલુ પ્રસાદે દંડ તરીકે દસ લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ સાથે લાલુને હવે ચારા કૌભાંડના તમામ કેસમાં જામીન મળી ગયા છે. યાદવ પર ચારા કૌભાંડના પાંચ કેસ નોંધાયા હતા અને તમામમાં સજા થઈ ચૂકી છે. સજા સામે લાલુ પ્રસાદે હાઈકોર્ટમાં અપીલ સાથે જામીન અરજી દાખલ કરી હતી. લાલુ પ્રસાદે અડધી સજા ભોગવવા અને આરોગ્યના કારણોસર જામીન માંગ્યા હતા. લાલુ પ્રસાદ અત્યારે બીમાર છે અને દિલ્હીની એઇમ્સમાં સારવાર હેઠળ છે.