બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારતની મુલાકાતમાં ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આર્થિક ગુનેગારોને દેશમાં પાછા લાવવાની તેની પ્રાથમિકતા છે. જોન્સને ભારતની આ લાંબાગાળાની ચિંતાની ગંભીર નોંધ લીધી છે. તેમણે સંકેત આપ્યો છે કે તેઓ આ મામલે અત્યંત સંવેદનશીલ છે અને કહ્યું હતું કે બ્રિટન એવા લોકોને નહીં આવકારે કે જેઓ ભારતીય કાયદાથી બચવા માટે બ્રિટનની કાયદાકીય સીસ્ટમનો ઉપયોગ કરવા ઇચ્છે છે. આથી હવે ભારતમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક ગુનેગારોને દેશમાં પરત લાવવાની અડચણો દૂર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત છેલ્લાં અનેક વર્ષોથી નાણાકીય છેતરપિંડીને લગતાં કેસોમાં કથિત સંડોવણી બદલ કાનૂની કેસ ચલાવવા માટે વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની સર્વગ્રાહી ચર્ચા પછી જોન્સને ઉમેર્યું હતું કે બ્રિટનની સરકારે તેમના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો છે અને કાયદાની અનેક ગૂંચવણને કારણે તેમના પ્રત્યાર્પણનો મામલો મુશ્કેલ બન્યો છે. જોકે, અમે ભારતમાં કાયદાથી બચવા માટે યુકેની કાનૂની સિસ્ટમનો ઉપયોગ કરવા માગતા હોય તેવા લોકોને અમે આવકારતા નથી. આ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું કે ભારતમાં જેમની સામે કેસ ચલાવવાના હોય તેવા વોન્ટેડ ભાગેડુ આર્થિક ગુનેગારોને પાછા લાવવા ઇચ્છે છે. બંને નેતાઓ વચ્ચેની ચર્ચામાં આ મુદો ઉઠ્યો હતો. ‘અમે ભારતીય પક્ષ તરફથી આ અંગેની જાણ તેમને કરી હતી. બ્રિટન બાજુથી પણ કહેવાયું કે તેઓ બ્રિટનમાં રહેતા આર્થિક ગુનેગારોને ટૂંકમાં જ પાછા લાવવાનું અમારી ન્યાયિક સિસ્ટમની દ્રષ્ટિએ પણ મહત્વનું છે.’