યુકેની એક કોર્ટે બુધવારે વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજને ઇરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધ સંબંધિત ગુપ્ત ફાઇલોને જાહેર કરવાના કેસનો સામનો કરવા અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાનો ઔપચારિક આદેશ કર્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સરકારે પણ ગુરુવારે આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓસ્ટ્રેલિયા સરકારના એક સીનિયર પ્રધાને જણાવ્યું હતું કે, તેમને બ્રિટિશ ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ છે અને તેઓ અસાંજના પ્રત્યાર્પણ સામે વાંધો ઉઠાવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, અસાંજ ઓસ્ટ્રેલિયાના નાગરિક છે.
યુકેમાં હવે આ બાબતે નિર્ણય લેવાનું હોમ સેક્રેટેરી પ્રીતિ પટેલના હાથમાં છે. જો તેના પ્રત્યાર્પણને મંજૂરી આપવામાં આવે તો અસાંજે ઉપલી કોર્ટમાં 14 દિવસમાં અપીલ કરી શકશે.
સેન્ટ્રલ લંડનમાં એક મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદો બ્રિટનની કોર્ટોમાં લાંબા સમયથી ચાલતી કાયદાકીય પ્રક્રિયાના નિષ્કર્ષને નજીક લાવનારો છે. પરંતુ અસાંજના વકીલોએ પ્રીતિ પટેલ સમક્ષ રજૂઆત કરવા અને આ કેસના અન્ય મુદ્દાઓ પર સંભવિત રીતે અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.
અસાંજના વકીલ બિર્નબર્ગ પીઅર્સ સોલિસિટર્સે ગત મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તેમણે અગાઉ ઉઠાવેલા અન્ય મહત્ત્વના મુદ્દાઓ અંગે તેમના દ્વારા હજુ સુધી હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી નથી. તે અપીલની એક જુદી પ્રક્રિયા છે, જે નિશ્ચિત પ્રકારે શરૂ થવાની બાકી છે.’
અસાંજને ગત મહિને યુકેની સુપ્રીમ કોર્ટમાં તેને અમેરિકામાં પ્રત્યાર્પણ કરવાના કેસના વિરુદ્ધમાં અપીલ કરવાની મંજૂરીથી વંચિત રાખવામાં આવ્યા હતા, જ્યાં તેને જેલમાં આજીવન સજા ભોગવવી પડી શકે છે. ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકન નેતૃત્વમાં થયેલ યુદ્ધ સંબંધિત પાંચ લાખ ગુપ્ત મિલિટરી ફાઇલ્સને જાહેર કરવા અંગે અમેરિકા તેના પર કેસ ચલાવવા ઇચ્છે છે.
ગત વર્ષે જાન્યુઆરીમાં 50 વર્ષીય ઓસ્ટ્રેલિયન અસાંજને એ આધારે રાહત આપવામાં આવી હતી કે, જો તેને વધુ સુરક્ષા સાથે અમેરિકાની જેલમાં એકાંતમાં રાખવામાં આવશે તો તે આત્મહત્યા કરે તેવું જોખમ છે. જો તે દોષિત ઠરશે તો તેને 175 વર્ષ સુધીની જેલ સજા થઇ શકે છે.
ઓસ્ટ્રેલિયન સેનેટર અને નાણા પ્રધાન સિમોન બર્મિંગહામે આ અંગે ગુરુવારે નેશનલ મીડિયાને જણાવ્યું હતું કે, અમને સ બ્રિટિશ ન્યાયિક પ્રકિયાની સ્વતંત્રતા અને અખંડિતતામાં વિશ્વાસ છે. ઓસ્ટ્રેલિયાની સરકાર તેના પ્રત્યાર્પણ સામે કોઇ દલીલ કરશે નહીં. આ એક પ્રક્રિયા છે જે તે સીસ્ટમ દ્વારા કામ કરવાનું જાળવી રાખશે.’
બ્રિટિશ કોર્ટના ચૂકાદાથી, અસાંજના વકીલોએ બ્રિટનના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને રજૂઆત કરવા માટે 18 મે સુધીનો સમય આપ્યો છે, જેઓ તેના પ્રત્યાર્પણ અંગેનો અંતિમ નિર્ણય લેશે. બર્મિંગહામે નોંધ્યું હતું કે અસાંજ પાસે અપીલનો અધિકાર છે જ, તે હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે, અને કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયા તેના જેલમાં બંધ નાગરિકને જરૂર મુજબ કોન્સ્યુલર મદદ આપશે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન, હ્યુમન રાઇટ્સ વોચ અને રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ સહિત 25 માનવાધિકાર જૂથોના ગઠબંધને અસાંજના પ્રત્યાર્પણ સામે વિરોધ નોંધાવીને કહ્યું છે કે, ‘અમેરિકામાં અને વિદેશમાં પ્રેસની સ્વતંત્રતા માટે ગંભીર ખતરો છે.’
ઓસ્ટ્રેલિયાના અસાંજે એક દસકા કરતાં વધુ સમયથી પ્રત્યાર્પણ ટાળવા માટે લડી રહ્યો છે, તેણે જેથી સેક્સ્યુઅલ હુમલાના કેસમાં તેનું સ્વીડનમાં પ્રત્યાર્પણ ન થાય તે માટે 2012માં લંડનમાં ઇક્વાડોરની એમ્બેસીમાં નાટકીય રીતે આશ્રય લીધો હતો.
તેને સ્વીડિશ આરોપો પર જામીન છોડવા માટે 2019 થી લંડનની ઉચ્ચ સુરક્ષાવાળી બેલમાર્શ જેલમાં રાખવામાં આવ્યો છે, જે આરોપો 2020માં હટાવવામાં આવ્યા હતા.