અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ૨૧ ઓપરેશન થીયેટરનું લોકાર્પણ કરાવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે કહ્યુ કે આજના નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 21 ઓપરેશન થીયેટર સમ્રગ દેશભરમાંથી આવતા દર્દીઓની જનસુખાકારીમાં વધારો કરશે.
તેમણે કહ્યું કે જ્યારે જ્યારે પણ માનવતાનો સાદ પડ્યો છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીનારાયણની નિઃસ્વાર્થ ભાવે, રાત-દિવસ જોયા વિના સેવા-સુશ્રુષા કરી છે. “મે આઇ હેલ્પ યુ” ની સાથે “મે આઇ કેર યુ” ની સમાજ ભાવના રાખીને સર્વે દર્દીઓની સેવા કરી છે.
નીતિન પટેલે જણાવ્યુ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આજે રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા દર્દીઓની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે 21 ઓપરેશન થીયેટર, અત્યાધુનિક CSSD, સૂચિત સ્કીન બેંક કાર્યરત કરાવવામાં આવી છે. 2021 ના નવા વર્ષમાં આ વિવિધ પ્રકલ્પો જનસુખાકારીમાં વધારો કરીને આ હોસ્પિટલની સ્વાસ્થ્ય સુવિધાઓની કાર્યદક્ષતા વધુ અસરકારક બનાવશે.
ટ્રોમા સેન્ટરથી લઇ સમગ્ર હોસ્પિટલમાં તબક્કા પ્રમાણે સ્વાસ્થય જરૂરિયાત, મશીનરી, અત્યાધુનિક ઉપકરણોની જરૂરિયાત સંતોષીને તમામ સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહી છે.
વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ બાદ સિવિલ હોસ્પિટલના અસ્મિતાભવન ખાતે યોજાયેલ સમારંભમાં નીતિન પટેલે સિવિલ હોસ્પિટલના માધ્યમથી રાજ્યના મેડિકલ , પેરામેડિકલ તેમજ તમામ ક્ષેત્રના કોરોના વોરીયર્સ પ્રત્યે સન્માનની લાગણી વ્યકત કરીને તેમની કાર્યક્ષમતા અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.
રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ કોરોના મહામારીમાં સતત ખડેપગે રહી પોતાની જવાબદારીને સંવેદનશીલ રીતે નિભાવી રહેલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઇ પેરામેડિકલ, સફાઇકર્મીઓ સહિત તમામ તંત્રની કામગીરીની પ્રસંશા કરી હતી.તેઓએ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત SOTTO (STATE ORGAN TRANSPLANT AND TISSUE ORGANIZATION)ની કામગીરીને વધુ સધન અને અસરકારક બનાવવા માટે તમામ તબીબો અને અન્ય સ્ટાફમિત્રો, કાઉન્સીલરને પ્રેરણા આપી હતી. તેમણે NABH અંતર્ગત એક્રીડેશન મેળવી સિવિલ મેડીસીટીની તમામ હોસ્પિટલ અને ઇન્સ્ટીટ્યુટને વધુતા ગુણવત્તાસભર બનાવવા કહ્યુ હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે રોટરી કલ્બ અને સિવિલ હોસ્પિટલ વચ્ચે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે રાજ્યની પ્રથમ સ્કીન બેંક બનાવવા ના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.