કોરોના વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભારતની નિયમનકારી સંસ્થા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ રવિવારે કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કોવિશીલ્ડ વેક્સિન ઓક્સફર્ડે વિકસાવી છે અને ભારતમાં તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યૂટ કરે છે. ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી છે. આ બંને વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરીને કારણે ભારતમાં મોટા પાયે રસીકરણની પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે.

સીરમ અને ભારત બાયોટેકની વેક્સિનના બે ડોઝની જરૂર પડશે. આ વેક્સિનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરી શકાશે. સરકારની નિષ્ણાત સમિતિએ છેલ્લા 48 કલાકમાં બે વેક્સિનને દેશમાં તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપી હતી.. કમિટીએ નવા વર્ષના પહેલા દિવસે કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સિનને મંજૂરી આપી હતી. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સિનનો ઉપયોગ શરૂ થઈ જશે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા સાથે વેક્સિનની ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને ભારતીય માટે ગર્વનો દિવસ જણાવ્યો હતો.

કોવેક્સિન વેક્સિન સંપૂર્ણપણે સ્વદેશી છે અને આને ભારત બાયોટેકે બનાવી છે. આ વેક્સિન હૈદરાબાદ લેબમાં તૈયાર કરવામાં આવી છે. કોવિશીલ્ડે વેક્સિન ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

કોવિડકાળમાં વેક્સિનેશનની પ્રક્રિયાને લઈને શનિવારે દેશભરમાં ડ્રાય રન એટલે કે એક પ્રકારની મોક ડ્રિલ કરવામાં આવ્યું હતું. દેશના 125 જિલ્લામાં બનેલા 286 કેન્દ્રમાં વેક્સિનેશનની પ્રક્રિયાનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ડ્રાય રનની તૈયારીઓનુ નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન હાજર રહ્યા હતાં. વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. સૂત્રો અનુસાર દેશમાં આગામી અઠવાડિયાથી કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ થઈ શકે છે.