ઉપપ્રમુખ
લેસ્ટરના ગુરુદ્વારા સાહિબના ઉપપ્રમુખજોગીન્દર સિંહ

તા. 13ના રોજ લેસ્ટરના હોલી બોન્સ વિસ્તારમાં ગુરુ નાનક ગુરુદ્વારા પાસે લેસ્ટર સિટી કાઉન્સિલના રોડ-સ્વીપર વાહનની ટક્કર લાગતા લેસ્ટરના ગુરુદ્વારા સાહિબના ઉપપ્રમુખ 87 વર્ષીય બ્રિટિશ શીખ જોગીન્દર સિંહનું મૃત્યુ થયું હતું. શ્રી સિંહ ગુરુદ્વારાના સ્થાપક સભ્યોમાંના એક તેમજ ઉપપ્રમુખ હતા અને તેઓ રોજ તેની મુલાકાત લેતા હતા.

લેસ્ટરશાયર પોલીસ અને ઇસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ સહિતની ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે ધસી ગઇ હતી પરંતુ થોડા કલાકોમાં જ 14 ઓક્ટોબરના રોજ બપોરે શ્રી સિંહનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુ થયાની શંકાના આધારે 63 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી તેને તપાસ હેઠળ જામીન પર મુક્ત કરાયો છે.

ડિટેક્ટીવ સાર્જન્ટ માઇક સ્ટીઅરે જણાવ્યું હતું કે સીરીયસ કોલાઇઝન ઇન્વેસ્ટીગેશન યુનિટ સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે અને સાક્ષીઓ અથવા સંબંધિત માહિતી ધરાવતા કોઈપણને આગળ આવવા અપીલ કરી છે. લેસ્ટર સિટી કાઉન્સિલ પોલીસને સંપૂર્ણ સહકાર આપી રહી છે.

પોલીસ દ્વારા જારી કરાયેલ શ્રદ્ધાંજલિમાં, સિંહના પરિવાર અને ગુરુદ્વારા સમુદાયે તેમને “નમ્ર અને સમર્પિત પતિ, પિતા, દાદા અને પરદાદા” તરીકે વર્ણવ્યા હતા જેમની નિઃસ્વાર્થ સેવાએ કાયમી અસર કરી હતી. તેમના આકસ્મિક મૃત્યુથી લેસ્ટરના શીખ સમુદાય પર ઊંડી અસર પડી છે.

ઇન્ડિયન વર્કર્સ એસોસિએશન (ગ્રેટ બ્રિટન)ના જનરલ સેક્રેટરી સીતલ સિંહ ગિલે શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે ભયંકર અકસ્માતમાં સરદાર જોગીન્દર સિંહજીએ દુ:ખદ રીતે પોતાનો જીવ ગુમાવ્યો તે જાણીને અમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમનું અચાનક અને અકાળ અવસાન સમગ્ર સમુદાય માટે એક મોટી ખોટ છે. સરદાર જોગીન્દર સિંહજી ગુરુદ્વારા સાહિબ અને શીખ સમુદાયના ખૂબ જ આદરણીય અને સમર્પિત સભ્ય હતા. તેમના અથાક સમર્પણ, નમ્ર સ્વભાવ અને સેવા (નિઃસ્વાર્થ સેવા) પ્રત્યેની આજીવન પ્રતિબદ્ધતાને હંમેશા ખૂબ જ આદર અને સ્નેહ સાથે યાદ કરવામાં આવશે.

LEAVE A REPLY