LIC
REUTERS/Dado Ruvic/Illustration

ભારત સરકારે શનિવારે દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસીમાં ૨૦ ટકા સુધીના સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ને મંજૂરી આપી છે. આઈપીઓની તૈયારી કરી રહેલ ભારતીય જીવન વીમા નિગમમાં સરકારે વિદેશી રોકાણ વધારવાની દરખાસ્તને મંજૂર આપી હતી. સરકારના આ પગલાથી દેશની સૌથી મોટી વીમા કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટમાં સરળતા રહેશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારે આઈપીઓ દ્વારા શેરબજારમાં એલઆઈસીના શેરના લિસ્ટિંગને મંજૂરી આપી છે. વિદેશી રોકાણકારો પણ આ મેગા આઈપીઓમાં ભાગ લેવા ઈચ્છુક હોય તે સ્વાભાવિક છે. જોકે હાલની એફડીઆઈ નીતિ હેઠળ એલઆઈસી એક્ટ, ૧૯૫૬ હેઠળ રચાયેલ આ નિગમ, એલઆઈસીમાં વિદેશી રોકાણ માટેની કોઈ વિશેષ જોગવાઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે એફડીઆઈના નિયમ મુજબ સરકારી મંજૂરી પ્રક્રિયા હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોમાં વિદેશી રોકાણની મર્યાદા ૨૦ ટકા છે. તેથી એલઆઈસી અને અન્ય કોર્પોરેટ સંસ્થાઓમાં ૨૦ ટકા સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.