પાટણના ભૂતપૂર્વ સાંસદ અને ગુજરાત સરકારના માજી પ્રધાન લીલાધર વાઘેલાનું બુધવારે, 16 સપ્ટેમ્બરે 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ડીસામાં તેમના પુત્રના નિવાસે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા. તેઓ પાંચ વાર ધારાસભ્ય અને એકવાર સાંસદ રહી ચૂક્યા છે. લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. તેઓએ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી હતી. રાજકારણમાં પ્રવેશ્યા બાદ તેઓ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા. તેઓ બે વાર ભાજપમાંથી ગુજરાતમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. OBC નેતા એવા વાઘેલા ગુજરાત સરકારમાં તેઓ પ્રધાનપદે પણ રહી ચૂક્યા હતા. શ્રી વાઘેલા ઠાકોર સમાજના મોટા ગજાના અગ્રણી હતા.