લોકડાઉન 7 મે સુધી રહેશે: ડોમિનિક રાબ ગુરૂવારે જાહેરાત કરશે

0
1202

ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ ગુરૂવારે વડાપ્રધાન બોરીસ જ્હોન્સન સાથે ચર્ચા કર્યા બાદ કોરોનાવાયરસના વધતા વ્યાપ સામે તકેદારી રાખવા માટે આગામી 3 સપ્તાહ સુધી એટલે કે તા. 7 મે 2020 સુધી લોકડાઉનનો સજ્જડ અમલ કરાવવાની જાહેરાત કરનાર છે. રાબે સોમવારે 10ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે લોકડાઉન ચાલુ રહેશે.

તેમણે કહ્યું હતુ કે ‘’કોરોનાવાયરસ સામેની લડાઈમાં ‘સકારાત્મક સંકેતો’ મળ્યા હતા પરંતુ સાથે ચેતવણી આપી હતી કે યુકે હજી રોગચાળાના શિખર પર પહોંચ્યુ નથી. આનો અર્થ એ થયો કે સરકાર સામાજિક અંતરને સરળ બનાવી શકતી નથી. રાબ ગુરૂવારે કોબ્રા કમિટીની બેઠકમાં સાથી દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી લોકડાઉન માટેની અંતિમ તારીખ નક્કી કરવા માટેના વ્યાપક અભિગમ માટે પૂછશે.

લોકડાઉન સહિતના કડક પગલાંની અર્થવ્યવસ્થા પર વિનાશક અસર પડી રહી છે, બેરોજગારીનું સ્તર વધ્યું છે અને ઘરેથી વધુ લોકો કામ કરશે તેવી સરકારની આશા ખોટી ઠરી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનનો નિર્ણય વડા પ્રધાન દ્વારા 23 માર્ચે અમલમાં મૂકવામાં આવ્યો હતો.

બ્રિટનની બહુમતી જનતાનુ લોકડાઉનને સમર્થન

અર્થવ્યવસ્થાને લથડશે તેવુ જોખમ હોવા છતાં બ્રિટનની મોટાભાગના એટલે કે 48 ટકા લોકોએ લોકડાઉનનુ સમર્થન કર્યુ હતુ અથવા તો તેઓ માને છે કે તે વધુ સખ્ત હોવુ જોઈએ. આશ્ચર્યજનક રીતે 92 ટકા લોકોએ કહ્યું હતુ કે તેઓ લોકડાઉનના નિર્ણય સાથે સહમત નહિ હોય કે કદાચ તે અમને અર્થહીન લાગતુ હશે તો પણ અમે સરકારની સલાહનું પાલન કરીશુ.

લોકડાઉનના કારણે મુખ્યત્વે 19 ટકા જેટલા નાના કામદારોને બેરોજગાર કરવામાં આવ્યા છે અથવા તેમના પગારમાં કાપ મૂકવાની ફરજ પડી છે. યુગોવ દ્વારા ટેલિગ્રાફ માટે કરાયેલા મતદાનમાં 84 ટકા લોકોએ લોકડાઉનને કારણે આર્થિક સમસ્યાઓ જોવા મળશે તેવી અપેક્ષા રાખી હતી. રવિવારે 2,000 લોકોનો સર્વે કરાયો હતો.

44 ટકા લોકોને લાગે છે કે વડા પ્રધાને સખ્તાઇથી નિયંત્રણો લાગુ કરવા જોઇએ. કારણ કે લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. યુગોવના પોલિટીકલ રીસર્ચ મેનેજર ક્રિસ કર્ટિસે કહ્યું હતુ કે નિષ્કર્ષો નીતિનિર્માતાઓ માટે મુશ્કેલ સાબિત થાય છે. કારણ કે લોકો લોકડાઉનને સમર્થન તો આપે છે પણ  જો તે ચાલુ રહેશે તો અર્થતંત્ર માટે પણ તેમને ડર છે.