(Photo by Christopher Furlong/Getty Images)

અમેરિકામાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં અને વેન્ટીલેટર પર રખાયેલા કોરોનાવાયરસના દર્દીઓ પર ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકાની બ્લડ કેન્સર – લ્યુકેમિયાની ટેબ્લેટ કેલ્ક્વેન્સનો ઉપયોગ ફાયદાજનક જણાતા કંપનીએ 400 જેટલા દર્દીઓ પર તેની અજમાયશ કરવાનુ નક્કી કર્યુ છે.

બ્રિટનના કેમ્બ્રિજ ખાતે હેડક્વાર્ટર ધરાવતી ફાર્માસ્યુટિકલ જાયન્ટ દ્વારા બનાવાયેલી કેલ્ક્વેન્સ દવા એન.એચ.એસ.ના પ્રિસ્ક્રિપ્શન પર ઉપલબ્ધ છે અને વોશિંગ્ટનની વૉલ્ટર રીડ જનરલ હોસ્પિટલમાં કોવિડ -19થી પીડાતા થોડાક દર્દીઓને આપવામાં આવી હતી.

72 કલાકની અંદર જ કંપનીએ કોવિડ -19 માટે ક્લિનિકલ ટ્રાયલ તૈયાર કરી તેને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને સુપરત કરી હતી. જે પ્રક્રિયા સામાન્ય રીતે ત્રણ મહિનાથી વધુ સમય લે છે. એસ્ટ્રાઝેનેકા ડોકટરોને કોકાકોલાથી બનેલા સોલ્યુશનમાં દવા મિક્સ કરી ટ્યુબ દ્વારા આપવાની સલાહ આપી રહ્યા છે.

એસ્ટ્રાઝેનેકાએ દાવો કર્યો હતો કે મે મહિના સુધીમાં વિશ્વસનીય કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટ તૈયાર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આપણા ગુજરાતી અને ફાર્મા જાયન્ટ ભીખુભાઇ અને વિજયભાઇ પટેલની એથનાહ્સ દ્વારા એસ્ટ્રાઝેનેકા કંપનીની હાઇપરટેન્શન દૂર કરતી 5 દવાઓઓના રાઇટ્સ ગત જાન્યુઆરીમાં ખરીદ્યા હતા.