રીઅલ્ટી ફર્મ યુનિટેક ગ્રૂપ અને તેના પ્રમોટર્સ સંજય ચંદ્રા અને અજય ચંદ્રા સામે મની લોન્ડરીંગ કેસની તપાસના સંદર્ભમાં ભારતના એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા લંડનસ્થિત હોટેલને જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે રૂ. 58.61 કરોડ છે. આ હોટેલનું નામ બેડ એન્ડ બ્રેકફાસ્ટ છે અને તેની માલિકી આઇબોર્નશોર્ન લિમિટેડની છે, જે યુકેસ્થિત કારનૌસ્ટી ગ્રૂપની સાથે જોડાયેલી ફર્મ છે.
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (PMLA) અંતર્ગત આ મિલક્તને જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઘર ખરીદનારાઓએ યુનિટેક ગ્રૂપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સિઝ વિંગમાં અનેક ફરિયાદો નોંધાવી હતી તે કેસના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
એજન્સીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, ઘર ખરીદનારાઓ તરફથી મળેલા રૂ. 325 કરોડની રકમ કારનૌસ્ટિ ગ્રૂપમાં મોકલવામાં આવી હતી. જેમાંથી રૂ. 41.3 કરોડ કારનૌસ્ટિ ગ્રૂપ ઇન્ડિયા અને સાયપ્રસની ઇનડીઝાઇન એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુકે મોકલવામાં આવ્યા હતા.
એવો પણ આક્ષેપ છે કે, આ ભંડોળનો ઉપયોગ કારનૌસ્ટિ ગ્રૂપ સાથે સંકળાયેલી કંપની-કારનૌસ્ટિ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી આઇબોર્નશોર્ન લિમિટેડ, યુકેના શેર્સ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
આ મિલકત ભારત બહાર હોવાથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા યુકેમાં સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી ઇન્ટરનેશનલ મની લોન્ડરીંગ અને અન્ય નાણાકીય ગુનાખોરીમાં સહકારના નિયમો હેઠળ વેચાણ અને તબદિલીની કાર્યવાહી થઇ શકે.
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા યુનિટેક ગ્રૂપ અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ આ વર્ષની શરૂઆતમાં PMLAની જુદી જુદી કલમો અંતર્ગત ગુનાઇત કેસની નોંધણી કરી હતી. સંજય ચંદ્રા અને અજય ચંદ્રા પર ગેરકાયદે રૂ. બે હજાર કરોડથી વધુની રકમ સાયપ્રસ અને કેમેન આઇલેન્ડ મોકલવાનો આરોપ છે.
આ કેસમાં ગુનાની કુલ આવક અત્યાર સુધીમાં નક્કી કરાયેલ, 5,063.05 કરોડ છે,
આ કેસમાં અત્યાર સુધીમાં ગુનાની કુલ કિંમત 5,063.05 કરોડ નક્કી કરવામાં આવી છે, તેવું એજન્સીએ અગાઉ જણાવ્યું હતું. ઉપરાંત એજન્સીએ આ કેસમાં ચાર માર્ચના રોજ મુંબઇ અને નેશનલ કેપિટલ રિજનમાં શિવાલિક ગ્રૂપ, ટ્રિકર ગ્રૂપ, યુનિટેક ગ્રૂપ અને કારસ્ટૌનિ ગ્રૂપના 35 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
અત્યાર સુધીમાં આ કેસમાં કુલ રૂ. 595.61 કરોડની જપ્ત કરવામાં આવી છે.