ભારતીય મૂળના અનિલ કાંતિ બાસુ લંડન પોલીસના નવા કમિશ્નર બને તેવી સંભાવના છે. જો બાસુની કમિશ્નર પદે નિમણૂક થશે તો સ્કોટલેન્ડ યાર્ડના વડા બનનારા તેઓ પ્રથમ એશિયન બનશે. અનિલ કાંતિ બાસુ ઉર્ફે નીલ બાસુનો પરિવાર લગભગ 60 વર્ષ અગાઉ કોલકતાથી યુકેમાં સ્થાઈ થયો હતો. લંડનમાં મેટ્રોપોલિટન પોલીસનાં પ્રથમ મહિલા કમિશ્નર ક્રેસિડા ડિકે રાજીનામુ આપ્યું હોવાથી હવે બાસુને તેમનું સ્થાન મળે તેવી સંભાવના છે. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા અનુસાર અનિલ બાસુ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. અત્યારે અનિલ બાસુ આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કાર્યરત છે. અનિલ બાસુના પિતા સર્જન હતા. 1968માં અનિલ બાસુનો જન્મ થયો હતો. 1992માં અનિલ બાસુ પોલીસમાં જોડાયા હતા. તેમને એક દશકા પહેલાં કાઉન્ટર ટેરરીઝમ વિભાગના વડા બનાવાયા હતા. પછી તેઓ પોલીસ તાલીમ કોલેજના ડાયરેક્ટર પણ બન્યા હતા. બે વર્ષ પહેલાં તેમની નિમણૂક લંડનના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે થઈ હતી.