પ્રતિક તસવીર (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

સાઉથ લંડનના સ્ટ્રેધામ હાઇ રોડ પર રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે નકલી સુસાઇડ વેસ્ટ પહેરી બે લોકોને ચાકુ મારી ગંભીર ઇજા કરનારા ત્રાસવાદી હુમલાખોર સુદેશ અમ્માનને પોલીસે ગણતરીની પળોમા ઠાર કર્યો હતો. એક સપ્તાહ પહેલા જ જેલમાંથી છૂટેલા અને હેરોમાં વસતા 20 વર્ષના સુદેશ અમ્માન વિષે પોલીસને શંકા હતી જ, તેથી પ્રોએક્ટીવ કાઉન્ટર ટેરરીઝમ ઓપરેશન હેઠળ સશસ્ત્ર પોલીસની પહેલેથી તેના પર નજર હતી અને તે વધુ લોકોને ઇજા કરે તે પહેલા તેને ઠાર કરાયો હતો. લંડન બ્રિજ પર ઉસ્માન ખાને કરેલા હુમલા પછી ત્રણ જ મહિનાના ટુંકાગાળામાં જેલમાંથી છૂટેલા અપરાધીએ બીજો ત્રાસવાદી હુમલો કરતાં સરકાર આવા આરોપીઓ સામે કડક પગલા ભરવા કટિબધ્ધ બની છે.
ત્રાસવાદી હુમલાનું કાવતરૂ ઘડવાના અને બીજા 13 જેટલા આરોપો બદલ સુદેશ અમ્માનને ચાલીસ મહિનાની સજા કરાઈ હતી. અડધી સજા પુરી થયા પછી લગભગ એક અઠવાડિયા અગાઉ તેનો છોડવામાં આવ્યો હતો. પોલીસ આ બનાવને ઇસ્લામ સંબંધિત ત્રાસવાદી ઘટના માને છે. બનાવમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા પરંતુ કોઈની ઇજા જીવલેણ નથી. પોલીસ સાઉથ લંડન અને બિશપ્સ સ્ટ્રેટફર્ડ, હર્ટફોર્ડશાયરમાં તપાસ કરી રહી છે અને હજુ કોઇ ધરપકડ કરવામાં આવી નથી, પૂછપરછ ચાલુ છે.
અહેવાલો મુજબ ત્રાસવાદી હુમલો કરવાના મક્કમ નિર્ધાર સાથે અમ્માન એક જનરલ સ્ટોર્સમાં ગયો હતો અને કિચન નાઇફ લઇને ત્યાં જ પેકેટ ખોલી લોકોને છરા મારવાનુ શરૂ કરી દીધું હતુ. તેણે દુકાનમાંથી બહાર નીકળીને તુરંત જ એક મહિલાને નિશાન બનાવી હતી. તે પછી તેણે બીજી એક વ્યક્તિને ચાકુ માર્યુ હતુ. પરંતુ તે વધુ કોઇ પર હુમલો કરે તે પહેલા બુટ્સ ફાર્મસીની બહાર ખાનગી કપડામાં તેનો પીછો કરી રહેલા પોલીસ અધિકારીઓએ તેને આંતરીને ગોળીઓ મારી હતી. બનાવને નજરે જોનાર સાક્ષીઓએ ગોળીબારના ત્રણ શોટના અવાજ સાંભળ્યા હતા અને બુટસ ફાર્મસીની બહાર અમ્માનને જમીન પર પડેલો જોયો હતો.
લંડન એમ્બ્યુલન્સ સર્વિસે કહ્યું કે તેમણે ઘટના સ્થળે ઇજા પામેલા ત્રણેય લોકોની સારવાર કરી હતી અને તમામને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને તાકીદે હોસ્પિટલ પહોંચાડવા એર એમ્બ્યુલન્સ – હેલિકોપ્ટર નજીક આવેલા ટૂટીંગ બેક લીડોના પાર્કમાં ઉતારવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં મદદ માટે પોલીસ હેલિકોપ્ટર પણ તહેનાત કરાયું હતુ.
ભોગ બનેલા ચાલીસીની ઉમરના એક પુરૂષની હાલત શરૂઆતમાં જીવલેણ માનવામાં આવતી હતી પરંતુ હવે તેની સ્થિતી સુધારા પર છે. 50 વર્ષની એક મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વિસેક વર્ષની એક મહિલાને પોલીસની ગોળીથી ફૂટેલા કાચની કરચ વાગતા સામાન્ય ઇજાઓ થઇ હતી જેની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
આંખે દેખ્યો અહેવાલઃ જીજોન કથેગજોલી નામનો યુવાન નજીકની બાર્બર શોપમાં હતો ત્યારે તેણે ઇજા પામેલી હાલતમાં એક મહિલાને પુશચેર ખાંચીને ભાગતી જોઇ હતી. પુશચેરમાં એક વ્યક્તિ અને તેની સાથે બે છોકરા હતા. આ સમય દરમિયાન જ મેં એક યુવાનને લાંબી છરી સાથે દોડતો જોયો હતો.
અન્ય સાક્ષી ડેનિયલ ગોફે કહ્યું હતુ કે તેણે ગોળીબારના શોટ્સ સાંભળતા લોકો દોડી ગયા હતા. લોકોમાં ગભરાટ હતો અને લોકો ચીસો પાડી રહ્યા હતા. મેં એક પોલીસ અધિકારીને જોયો અને તે બૂમો પાડી બધાને પાછા જવા કહેતો હતો. તેના હાથમાંની ગન ફ્લોર પર પડેલા માણસ તરફ તાકેલી હતી.”
ડેપ્ટીના આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર લ્યુસી ડી’ઓરસીએ જણાવ્યુ હતુ કે અમ્માન પર શંકા હોવાથી તેનો પીછો કરતા સશસ્ત્ર અધિકારીઓ ત્યાં નજીકમાં જ હાજર હતા. ફોરેન્સિક અધિકારીઓ મોડી સાંજ સુધી ઘટના સ્થળેથી જરૂરી પૂરાવા મેળવતા જણાયા હતા. મેટ કાઉન્ટર કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના અધિકારીઓ આ ઘટનાની તપાસની આગેવાની સંભાળી રહ્યા છે. સ્ટ્રેધામ હાઇ રોડ સોમવારે પણ બંધ રખાયો હતો અને પોલીસનું કોર્ડન યથાવત હતું. પોલીસે ઘટનાની માહિતી, ફોટા અને વિડીયો ફૂટેજ www.ukpoliceimageappeal.com દ્વારા અથવા 0800 789 321 પર શેર કરવા વિનંતી કરી હતી.
પોલીસ કામગીરીનું વિશ્લેષણઃ બીબીસીના હોમ અફેર્સ કોરસપોન્ડન્ટ ટોમ સાયમન્ડે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓની ઝડપી કામગીરીથી ચોક્કસપણે લોકોના જીવ બચ્યા છે પરંતુ આ કામગીરી સામે અનિવાર્યપણે પ્રશ્નો ઉભા થશે. કાઉન્ટર-ટેરરિસ્ટ પોલીસ અને જાસૂસી સંસ્થા એમઆઈ-ફાઇવ પાસે એક સમયે 3,000 જેટલા શકમંદોની યાદી હતી. પરંતુ ઘણા ઓછા લોકો પર રાઉન્ડ-ધ-ક્લોક સર્વેલન્સ રાખવામાં આવે છે, કારણ કે તે માટે નિષ્ણાંત અધિકારીઓની વિશાળ ટીમ જરૂરી છે.
આનો અર્થ એ થાય કે ત્રાસવાદ રોકવા માટે મુશ્કેલ નિર્ણયો લેવા જરૂરી બનશે. કયા શંકાસ્પદ પર ધ્યાન આપવું? તેઓ કયા સ્તરનું જોખમ ઉભુ કરી શકે તેમ છે? તેમની ધરપકડ કરવાનો શ્રેષ્ઠ સમય કયો? પુરાવા મેળવવાની જરૂરત કેટલી? હુમલાખોરો એકલા જ હુમલો કરતા હોવાથી અને સામાન્ય હાથવગા શસ્ત્રોનો ઉપયોગ કરવાની સંભાવના વધારે હોવાથી પોલીસની તકલીફ વધશે.
દોષિત ત્રાસવાદીઓ માટે સીસ્ટમમાં મૂળભૂત પરિવર્તન કરાશેઃ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતુ કે ‘’મારી સહાનુભૂતિ ઘાયલ લોકો અને તેમના પરિવારજનો સાથે છે અને આ બનાવમાં ત્વરિત પ્રતિક્રિયા આપનાર ઇમરજન્સી સેવાઓની “સ્પીડ અને બહાદુરી” માટે તેમને ધન્યવાદ આપુ છું. સરકાર “ત્રાસવાદના ગુનામાં દોષિત ઠરેલા લોકો સાથે કેવો વ્યવહાર કરવો તે માટે સિસ્ટમમાં મૂળભૂત પરિવર્તનની વધુ યોજનાઓ જાહેર કરશે.’’
લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે, “ત્રાસવાદીઓ આપણને વિભાજીત કરવા અને આપણી જીવનશૈલીનો નાશ કરવા માગે છે. અહીં લંડનમાં અમે તેમને ક્યારેય સફળ થવા દઈશું નહીં.”
સ્ટ્રેથહામના સાંસદ બેલ રિબેરો-એડીએ જણાવ્યું હતું કે: “તે પોલીસની દેખરેખ હેઠળ હતો તો પછી સવાલ એ છે કે તેને વહેલો કેમ છોડી મુકાયો?”
ટ્રેઝરી મિનીસ્ટર ઋષિ સુનાકે જણાવ્યું હતું કે, “પોલીસ લોકોને સુરક્ષિત રાખવા માટે બધુ જ કરશે. લંડન બ્રિજ નજીક નવેમ્બરના હુમલા પછી વડાપ્રધાને કરેલી ઘોષણા મુજબ ત્રાસવાદના કાયદા કડક બનાવવા અને નવા પગલા લેવા પોલીસને “વધુ સત્તાઓ અને સંસાધનો” અપાશે.
બીબીસીના પોલીટીકલ પત્રકાર ક્રિસ મેસને જણાવ્યું હતું કે, અમ્માનની મુક્તિ વખતે જ તે લોકો માટે જોખમરૂપ લાગતો હતો, પરંતુ સામે પક્ષે તેને જેલમાં રાખવાની કોઈ કાયદેસર પદ્ધતિ નથી.’’