ભારતીય મૂળના ટોરી પીઅર લોર્ડ રેમી રેન્જરે તેમની વર્તણૂક ‘બુલીઇંગ અને હેરેસમેન્ટ’ સમાન હોવાનું અને સંસદીય આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું એક તપાસમાં બહાર આવ્યા બાદ તા. 13ના રોજ એશિયન કેમ્પેઇનરની માફી માંગી હતી.

યુકે સ્થિત એફએમસીજી ફર્મ સન માર્ક લિમિટેડના સ્થાપક, લોર્ડ રામી રેન્જરે ઓક્ટોબરમાં લંડનમાં હાઉસ ઓફ પાર્લામેન્ટ સંકુલમાં યોજેલા દિવાળી કાર્યક્રમ વખતે વિવાદાસ્પદ શૈલીવાળા ગુરુ નિત્યાનંદના પ્રતિનિધિની હાજરીને પગલે થયેલા ચડભડ બાદ હાઉસ ઓફ લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ દ્વારા આચાર સંહિતા તપાસનો સામનો કરવો પડ્યો હતો. તે ફરિયાદમાં લોર્ડ રેન્જર પર લંડન સ્થિત કેમ્પેઇનર પૂનમ જોશી સામે બૂમો પાડવાના અને તે પછી અપમાનજનક ટ્વીટ્સ કરવાનો આરોપ મૂકાયો હતો.

હાઉસ ઓફ લોર્ડ્સના કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ અકબર ખાને પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે “બુલિઇંગ અને પજવણીને લગતા નિયમોના સંભવિત ભંગ અંગે, તમામ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી, મેં તારણ કાઢ્યું છે કે લોર્ડ રેન્જરની વર્તણૂક બુલિઇંગ અને પજવણીના માપદંડોને પૂર્ણ કરે છે અને તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે. મેં ભલામણ કરી હતી કે લોર્ડ રેન્જર શ્રીમતી પૂનમ જોશીની તેમના આચરણ વિશે માફી માંગે અને યોગ્ય તાલીમ લેવાનું અને વર્તન બદલવા માટે કોચિંગ મેળવે.”

ઈન્ડિયન લેડીઝ યુકે (આઈએલયુકે) મહિલા સંગઠનના સ્થાપક જોશીએ તપાસમાં જણાવ્યું હતું કે ‘’રેન્જરની વર્તણૂકની તેના અને તેના પરિવાર પર તેમજ તેના વ્યાવસાયિક જીવન અને આજીવિકા પર નોંધપાત્ર અસર પડી હતી.

લોર્ડ રેન્જરે માફી પત્રમાં જણાવ્યું હતું કે “આ અહેવાલમાં, કમિશનરને જણાયું છે કે મારી વર્તણૂક હું મારી જાત પાસેથી જે ઉચ્ચ ધોરણોની અપેક્ષા રાખું છું, અને હાઉસ ઓફ લોર્ડ્સના સીટીંગ સભ્ય તરીકે અન્ય લોકો મારી પાસેથી જે અપેક્ષા રાખે છે તેનાથી ઓછી છે. મેં મારો પસ્તાવો વ્યક્ત કર્યો છે અને હું શ્રીમતી જોશીની માફી માંગુ છું. તપાસની પ્રક્રિયા અને અહેવાલના વાંચન અને તેના પર વિચાર કરતાં મારા મન પર ઊંડી અને કાયમી અસર પડી છે. હું આત્મ-ચિંતન કરવાનું ચાલુ રાખીશ અને આ અનુભવમાંથી શીખીશ.”

તેના જવાબમાં, જોશીએ કહ્યું હતું કે ‘’હું માફી માટે આભારી છું અને કમિશનરના અહેવાલે મારા પોતાના પગલાં પર નજર કરવાની મને તક આપી છે, જે મેં, મારા માટે, નિર્ધારિત કરેલા ધોરણોને પૂર્ણ કરતા નથી. હું પસ્તાવો કરું છું અને સ્વીકારું છું કે જે સંજોગો ઉભા થયા છે તેની જવાબદારી હું સહન કરું છું અને હું લોર્ડ રેન્જરની માફી માંગુ છું.’’

જો કે, અકબર ખાને તારણ કાઢ્યું હતું કે લોર્ડ રેન્જરે લીધેલી સવલતોના ઉપયોગથી સંસદીય નિયમો કે આચારસંહિતાનો ભંગ થયો નથી.

LEAVE A REPLY

seven + five =