(ANI Photo)

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શનિવારે વહેલી સવારે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થાંભલા અને ડિવાઈડર સાથે અથડાયા બાદ ખાનગી બસમાં આગ લાગતાં 25 મુસાફરો જીવતાં ભૂંજાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં બસના ડ્રાઇવર અને તેના સહાયક સહિત આઠ લોકોનો આબાદ બચાવ થયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે બસના ડ્રાઇવરને ઝોકું આવ્યું હતું અને તેને વ્હિકલ પરનો અંકુશ ગુમાવ્યો હતો. ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો કેસ દાખલ કરાયો હતો. ખાનગી સ્લીપર કોચ બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે નાગપુરથી 130 કિમી દૂર સિંદખેદરાજા નજીકના પિંપલખુટા ગામમાં સવારે 1.30 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો થાંભલા અને ડિવાઈડર સાથે અથડાયા પછી બસ પલટી ખાઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં વાહનમાં આગ લાગી હતી. કેટલાક મુસાફરો બસની પાછળની તૂટેલી બારીઓમાંથી બહાર આવી શક્યા હતાં. મોટાભાગના મૃતદેહો ઓળખી ન શકાય તેટલી હદે સળગી ગયાં હતાં. તેથી સત્તાવાળાઓએ સંબંધીઓને સોંપતા પહેલા તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. બસના ડ્રાઇવરે દાવો કર્યો હતો કે ટાયર ફાટ્યું હતું.

આ અકસ્માત અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદ સહિતના અન્ય નેતાઓએ ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. શિંદે દરેક મૃતકના પરિવારને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે  મહારાષ્ટ્રના બુલઢાણામાં વિનાશક બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના અને પ્રાર્થનાઓ મૃતકોના પરિવાર સાથે છે. ગૃહમંત્રી અમિત શાહે આ અકસ્માતને હૃદયદ્રાવક ગણાવ્યો હતો.

LEAVE A REPLY

twenty − 2 =