(Photo by STR/AFP via Getty Images)

માહી ગિલ દરેક બાબતે પોતાની મનમાની કરવા જાણીતી છે. પછી ભલે તે ફિલ્મોની પસંદગી હોય કે પછી વ્યક્તિગત જીવન. અત્યારે તેના મિત્ર સાથે લિવ-ઇન રિલેશનશીપમાં છે. જોકે તે કોણ છે તેની કોઇને જાણ નથી. પરંતુ સાડાચાર વર્ષની પુત્રીની માતા માહીએ તાજેતરમાં એવા સંકેત આપ્યા છે કે તે ટૂંક સમયમાં પરણી જશે. તેણે કહ્યું હતું કે, થોડા સમયમાં જ હું લગ્ન કરી લેવાની છું અને તેના ફોટો પણ હું ચોક્કસ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીશ. જોકે, 45 વર્ષીય માહી સોશિયલ મીડિયામાં ખૂબ ઓછી સક્રિય રહે છે. તેને ફિલ્મોની પાર્ટીઓમાં જવાનું પણ પસંદ નથી. આ અંગે માહી કહે છે કે, વારંવાર જાહેરમાં દેખાવાથી ઊભા થતાં અતિરેકથી તે સતર્ક છે. વધુમાં કહે છે કે હું ઇન્સ્ટાગ્રામનો પણ ક્યારેક જ ઉપયોગ કરું છું. લોકોને એ જાણવામાં રસ હોય છે કે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે મને બધી વાતો જાહેર કરવાનું પસંદ નથી.

ઘણાં કલાકારોને સોશિયલ મીડિયાના વધુ ઉપયોગને કારણે કામ મળી રહ્યું છે. તેથી એમ માનવામાં આવે છે કે તમારી આવડત કરતાં તમારા પ્રશંસકોની સંખ્યા કામ મેળવવામાં વધુ જરૂરી લાગે છે. પરંતુ માહી આ વાત સ્વીકારતી નથી. તે કહે છે કે ના, જે લોકો સોશિયલ મીડિયા પર વધુ સક્રિય નથી તેમને પણ કામ તો મળે જ છે. તે પોતાના કામ વિશે કહે છે કે મેં મહામારીના સમયમાં મારા શો ‘યોર ઓનર-2’નું શૂટિંગ કર્યું હતું, અને જ્યારે કોરોના ટોચ પર હતો ત્યારે અન્ય પ્રોજેક્ટ્સ પણ કરી રહી હતી. હા, જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે મેં મારી પુત્રી સાથે ઘણો સમય વિતાવ્યો હતો.