ગ્રેટર માંચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ (ફાઇલ તસવીર) . (Photo by Christopher Furlong/Getty Images)

ગ્રેટર માન્ચેસ્ટરમાં “લંડન-શૈલીની પરિવહન ક્રાંતિ” લાવવાની યોજના હેઠળ પુખ્ત વયના લોકો માટે બસની ટિકિટોની મર્યાદા £2 અને બાળકો માટે £1 રાખવામાં આવશે.

મેયર એન્ડી બર્નહામ શહેરમાં બસોને જાહેર નિયંત્રણ હેઠળ લાવવાની યોજના ધરાવે છે. ગ્રેટર માન્ચેસ્ટરને 2017માં બસોને નિયંત્રિત કરવાની સત્તા સોંપવામાં આવી હતી જો કે રોગચાળા અને કાનૂની પડકારોને કારણે યોજનાઓ વિલંબિત થઈ છે.

બર્નહામે જણાવ્યું હતું કે આ સુધારાઓને કારણે “એક જ મુસાફરી માટે £4 અથવા વધુ ચૂકવનારા લોકોનો યુગ” સમાપ્ત થશે.  વિગાન, બોલ્ટન અને સેલફર્ડના ભાગો આવતા વર્ષે ઓટમથી નિયંત્રિત સેવાઓ મેળવનારા પ્રથમ વિસ્તારો હશે. રોચડેલ, ઓલ્ડહામ, બરી અને નોર્થ માન્ચેસ્ટરના વિસ્તારો સ્પ્રિંગ 2024માં લાભ મેળવશે. સ્ટોકપોર્ટ, ટ્રેફર્ડ, ટેમસાઈડ, સાઉથ માન્ચેસ્ટર અને સેલફોર્ડના બાકીના ભાગો 2024ના અંત સુધીમાં આ યોજનામાં જોડાશે.

નવી ટિકિટો લંડનના £1.65ના હોપર ભાડાની જેમ જ કામ કરશે, જે એક કલાકની અંદર અમર્યાદિત બસ મુસાફરીની મંજૂરી આપે છે. હાલમાં મિડલટનથી માન્ચેસ્ટર સિટી સેન્ટર સુધીની 20-મિનિટની મુસાફરીનો ખર્ચ £4.50 સુધીનો છે.

બસના ભાડા, સમયપત્રક અને રૂટ ખાનગી ઓપરેટરોને બદલે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નક્કી કરવામાં આવશે. એવો અંદાજ છે કે મોડલ પર લગભગ £135 મિલિયનનો ખર્ચ થશે.