છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉનાળા અને શિયાળામાં માવઠાં થવાની સંખ્યામાં વધારો થયો છે તેમ જ ઋતુચક્ર પણ ખોરવાયું છે. આથી તેની અસર કૃષિ ઉત્પાદન પર પણ પડી છે. સૌરાષ્ટ્રના પોરબંદર પછી હવે જૂનાગઢના ગીર પંથકમાં ભરશિયાળે આંબા પર મોર અને કેરી આવતાં ખેડૂતોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

સાસણ ગીર નજીક માલણકા ગામે કેરીના બગીચામાં અત્યારથી આંબા પર વહેલા મોર અને કેરી જોવા મળી રહી છે. આ બગીચામાં એક હજારથી વધુ આંબાનાં વૃક્ષ છે, જેમાં 15થી 20 આંબામાં કેરીઓ આવી છે. તો 12થી 15 આંબાઓમાં મોર આવી ગયા છે. એટલું જ નહીં, કમોસમી વરસાદના કારણે 10થી 12 આંબાઓ પરથી કેરીઓ ખરી પડી છે એવું બગીચાના માલિકે જણાવ્યું હતું. સામાન્ય રીતે તો ડિસેમ્બર મહિના પછી આંબામાં મોર આવતા હોય છે, પરંતુ આ બગીચામાં કોઇપણ પ્રકારનાં રાસાયણિક ખાતર, દવા કે અન્ય કોઈ પ્રવાહી વગર જ કેરીઓ અને મોર આવતાં ખેડૂતો અચરજમાં છે.
કૃષિ નિષ્ણાતોના મત મુજબ વાતાવરણમાં ફેરફારના કારણે વગર સિઝને અત્યારે આંબામાં કેરી આવી છે. બીજાં વૃક્ષોમાં પણ આવા ફેરફાર આવતા હોય છે, પરંતુ એ ધ્યાને આવતા નથી. જે કેરી વગર મોસમે આવે અને સિઝનમાં આવે એમાં ઘણો ફેરફાર હોય છે અને આ કેરી ગુણવત્તાયુક્ત હોતી નથી. ચોક્કસ કારણ મુજબ વાતાવરણમાં ફેરફારના કારણે જ આંબામાં મોર આવે છે અને કેરી પણ આવે છે.

LEAVE A REPLY

4 + 16 =