નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાની કોર્પોરેટ ઓફિસ ( REUTERS/Anindito Mukherjee/File Photo)

ભારતીય સ્પર્ધા પંચ (સીસીઆઈ)એ સોમવારે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને સ્પર્ધા વિરોધી રીતસમો બદલ રૂા.200 કરોડનો દંડ ફટકાર્યો હતો. સીસીઆઈએ કંપનીને એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસમાં સામેલ ન થવા અને તેને બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતા.

નિયામકે સોમવારે એક જાહેરાતમાં કહ્યું કે, ડીલરો સાથે ડિસ્કાઉન્ટ કન્ટ્રોલ પોલિસીને લાગુ કરી પેસેન્જર વ્હિકલ સેક્ટરમાં રીસેલ પ્રાઈસ મેઈન્ટેનન્સ (આરપીએમ)માં એન્ટી કોમ્પિટિટિવ વ્યવહારમાં સામેલ થવાને પગલે આ દંડ કરાયો છે. નિયામકને જણાયું છે કે, મારુતિએ પોતાના ડીલરોની સાથે એક સમજૂતી કરી હતી, જે અંતર્ગત ગ્રાહકોને કંપની દ્વારા નિર્ધારિત છૂટથી વધુ છૂટ આપવાથી ડીલરોને રોકી દેવાયા.

ડિસ્કાઉન્ટ કન્ટ્રોલ પોલિસીને લાગુ કરવા માટે મારુતિએ મિસ્ટ્રી શોપિંગ એજન્સી (એમએસએ)ની નિમણૂક કરી રાખી હતી. તે ગ્રાહક બનીને મારુતિના ડીલરો પાસે જતા હતા અને જાણતા હતા કે ગ્રાહકોને કોઈ વધારાની છૂટ તો નથી આપવામાં આવી રહી. જો કોઈ વધારાની છૂટ આપતું જણાય તો કંપની તેની પાસે ખુલાસો માગતી હતી. જો ડીલર ખુલાસો ન આપી શકે તો કંપની ડીલરશિપ અને તેના કર્મચારીઓને દંડ કરતી હતી. કેટલાક મામલામાં તો કંપનીએ સપ્લાય બંધ કરવાની ધમકી પણ આપી હતી.