(ANI Photo)

ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં ‘ઓપરેશન અભ્યાસ’ હેઠળ મેગા નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ થઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરવા અને સંભવિત  હુમલાની સ્થિતિમાં કઇ રીતે પોતાને અને બીજીને બચાવવા તે અંગે સામાન્ય નાગરિકોને જાગૃત કરાયાં હતાં. પરમાણુ પ્લાન્ટ, લશ્કરી થાણા, રિફાઇનરીઓ અને હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ જેવા સંવેદનશીલ સ્થળો સહિત દેશભરમાં આશરે 300 ‘નાગરિક સંરક્ષણ જિલ્લાઓ’ મોક ડ્રીલ થઈ હતી.

આ મેગા કવાયતમાં સંભવિત હુમલાથી બચવા માટેની નાગરિકોને તાલિમ અપાઈ હતી તથા બંકરો અને સુરક્ષિત સ્થાનોની સફાઈ કરાઈ હતી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 55 સ્થળોએ મોક સુરક્ષા કવાયતના ભાગરૂપે પીસીઆર વાન અને ફાયર એન્જિન અનેક સ્થળોએ તૈનાત કરાયાં હતાં. શહેરમાં સુરક્ષા કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભારે તૈનાતી કરાઈ હતી. સાયરન વાગતા રહેવાસીઓ સલામત સ્થળોએ દોડી હતાં, ઘાયલ લોકોને સ્ટ્રેચર પર લઈ જવાની કવાયત ઠેરઠેર જોવા મળી હતી.

દિલ્હી ફાયર સર્વિસીસ ક્રેન મારફત બહુમાળી ઇમારતોમાં ‘ફસાયેલા’ લોકોને બહાર કાઢવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સાયરન ગૂંજી ઉઠી હતી અને તેની સાથે ફાયર બ્રિગેડની ટીમો ડોકટરોની ટીમ અને અનેક એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.દિલ્હીભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કટોકટીની તૈયારીઓને મજબૂત બનાવવાના હેતુથી સલામતીની કવાયતમાં ભાગ લીધો હતો.

પંજાબમાં, ફિરોઝપુર, લુધિયાણા, અમૃતસર, ભટિંડા, ગુરદાસપુર, હોશિયારપુર, પટિયાલા, પઠાણકોટ, બરનાલા અને મોહાલીમાં મોક ડ્રિલના ભાગરૂપે ફાયર ઇમર્જન્સી, રેસ્ક્યુ ઓપરેશન સહિતની કવાયત હાથ ધરાઈ હતી.

મુંબઈમાં રેલ્વે સ્ટેશનો સહિત વ્યૂહાત્મક સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ હતી. સેન્ટ્રલ રેલવેની નાગરિક સંરક્ષણ ટીમે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે એક મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP)એ વિવિધ રેલ્વે સ્ટેશનો પર રૂટ માર્ચ, પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ના કર્મચારીઓ પણ સંકલિત બચાવ કાર્યમાં જોડાયાં હતાં.

 

LEAVE A REPLY