(ANI Photo)

ભારતના ટોચના 50 બેન્ક ડિફોલ્ટરમાં ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સ ટોચના સ્થાને છે. ભારતના નાણા મંત્રાલયે સંસદમાં આ અંગેની માહિતી આપી હતી. ટોચના વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી બેન્કોએ કુલ રૂ.87,295 કરોડ વસુવવાના બાકી છે. મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સે  બેન્કોને રૂ.8,738 કરોડનો ચુનો લગાવ્યો છે.

આ યાદીમાં બીજા નંબર પર એરા ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ છે, જેણે રૂ.5,750 કરોડની રકમ ચુકવવાની બાકી છે. સૌથી મોટા ડિફોલ્ટરોની યાદીમાં REI એગ્રો ત્રીજા ક્રમે છે, જેણે ₹5,148 કરોડની લોન ભરપાઈ નથી કરી, જ્યારે એબીજી શિપયાર્ડની ₹4,774 કરોડની લોન બાકી છે. કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવરે ₹3,911 કરોડની લોન ચુકવવાની બાકી છે અને તેનું નામ પણ ટોચની ડિફોલ્ટર કંપનીઓમાં સામેલ છે.

ભારતના સૌથી મોટા ડિફોલ્ટર મેહુલ ચોક્સીએ ગીતાંજલિ જેમ્સ નામની કંપની પ્રમોટ કરી હતી અને તેના પર લોન લીધી હતી. મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં કુલ રૂ. 13,500 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. હાલમાં તે દેશ છોડીને ફરાર છે અને તેને ભારત લાવવાના પ્રયાસો હજુ સફળ થયાં નથી.

આ તમામના નામ વિલફુલ ડિફોલ્ટર્સમાં આવે છે એટલે કે તેમની લોન ચુકવવાની દાનત જ ન હતી. તેમાં બોલપેન બનાવતી કંપની રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટે રૂ.2,894 કરોડની લોન ભરવાની બાકી છે. વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલરીના ₹2,846 કરોડ બાકી છે. ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ લિમિટેડના ₹2,518 કરોડ, શ્રી લક્ષ્મી કોટસિન લિમિટેડના ₹2,180 કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના ₹2,066 કરોડ વસુલવાના બાકી છે.

રાજ્યસભાના લેખિત જવાબમાં ટોચના 10 ડિફોલ્ટરોએ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોને કુલ ₹40,825 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની બાકી છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં બેન્કોએ ₹10,57,326 કરોડની માંડવાળ કરી નાખી છે એટલે કે આ રૂપિયા મળવાની કોઈ શક્યતા જ નથી.

અન્ય એક અલગ જવાબમાં સરકારે જણાવ્યું કે 2022-23માં ફ્રોડના 66,069 કેસ બન્યા હતા જેમાં બેન્કોને ₹85.25 કરોડનું નુકસાન થયું હતું. અગાઉના વર્ષમાં 65,893 ફ્રોડના કેસ બન્યા હતા જેમાં ₹115.36 કરોડનું નાણાકીય નુકસાન થયું હતું. બેન્કોમાં ફ્રોડના ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે આરબીઆઈએ રેગ્યુલેટેડ એન્ટીટીને કેટલાક નિર્દેશ આપ્યા છે.

 

LEAVE A REPLY

twenty − two =