નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી નજીક ગાઝીપુર બોર્ડરે ભારતીય કિસાન યુનિયનના સભ્યો એકઠા થયા હતા. (PTI Photo/Ravi Choudhary)

સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોની 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને સૂચિત ટ્રેકટર રેલીની વિરુદ્ધમાં ચુકાદો આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ બાબતે દિલ્હી પોલીસે નિર્ણય કરવાનો છે, સુપ્રીમ કોર્ટે નહીં. સુપ્રીમ કોર્ટના આ વલણને પગલે કેન્દ્ર સરકારે તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી સૂચના આપી હતી કે ટ્રેક્ટર મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લો. છેલ્લા 56 દિવસથી દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડ યોજાઇ રહી હોય ત્યારે જ ટ્રેક્ટર રેલી કાઢવાની યોજના બનાવી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ આ ટ્રેક્ટર રેલી બાબતે કોઇ આદેશ આપે.