બ્રિટનમાં સૌથી કડક હેડ ટીચર તરીકે ઓળખાતા ભારતીય મૂળના કેથરિન બિરબલસિંહે તેમની મિકેલા સ્કૂલમાં ‘પ્રાર્થના કરવા પર પ્રતિબંધ’ મૂકતા શાળાને હાઈકોર્ટમાં કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રેન્ટની મીકેલા સ્કૂલે માર્ચ 2023માં શાળામાં ‘પ્રાર્થના કરવા પર પ્રતિબંધ’ની નીતિ રજૂ કરી હતી.

શાળાની આ પોલીસી સામે એક મુસ્લિમ વિદ્યાર્થીની તરફથી સારાહ હેનેટ કેસી દ્વારા કાનૂની પડકાર ફેંકવામાં આવ્યો છે જેમાં તેણીએ દલીલ કરી હતી કે તે નીતિ તેના ધર્મની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. તેણીએ દાવો કર્યો હતો કે ‘’આ પ્રતિબંધે દેશમાં મુસ્લિમ તરીકેના તેના અનુભવને મૂળભૂત રીતે બદલી નાખ્યો છે, તેને બાકાત રખાતી હોવાની લાગણી સાથે સરખાવી છે. હેનેટે દલીલ કરી હતી કે આ નીતિએ મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમની પ્રાર્થનાની વિધિના કારણે પ્રાર્થના કરતા અટકાવ્યા હતા.

પ્રસ્તાવિત સમાધાન તરીકે મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેમના લેસન દરમિયાન કરાતી પ્રાર્થના (નમાજ) સિવાય, નિર્દિષ્ટ તારીખોએ લંચના સમયે લગભગ પાંચ મિનિટ માટે પ્રાર્થના કરવાની પરવાનગી માંગી હતી. હેનેટે આ પ્રતિબંધથી તેના ક્લાયન્ટની સુખાકારી પર પ્રતિકૂળ અસર થાય છે અને તેના કારણે તે અપરાધ અને દુ:ખની લાગણી અનુભવે છે તેમ જણાવ્યું હતું.

મીકેલા સ્કૂલ કોમ્યુનિટી ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા જેસન કોપેલ કેસીએ જવાબમાં દલીલ કરી હતી કે ‘’પ્રતિબંધ લાગુ કરવાનો હેડ ટીચરનો નિર્ણય શાળા સમુદાયમાં વધતા તણાવ માટે કટોકટીની પ્રતિક્રિયા તરીકે હતો. શાળાના પરિસરમાં ધાર્મિક પાલન સાથે સંકળાયેલી ધમકીઓ અને બોમ્બની ધમકીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ પ્રતિબંધ વાજબી અને પ્રમાણસર હતો.’’

કોર્ટમાં જણાવાયું હતું કે માર્ચ 2023માં 30 જેટલા વિદ્યાર્થીઓએ શાળાના કમ્પાઉન્ડમાં પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ધાર્મિક જૂથો વચ્ચે વિખવાદ અને ધાકધમકી વધે તેવી ચિંતા ઉભી થઈ હતી. એક વિદ્યાર્થીને માથા પર સ્કાર્ફ પહેરવા દબાણ કરાયું હતું અને અન્ય વિદ્યાર્થી ધાર્મિક કારણોસર શાળાનું કોયર છોડી રહ્યા હતા. તેમણે ઓનલાઈન એબ્યુઝ, શિક્ષકની બારી પર ફેંકવામાં આવેલી ઈંટ અને બોમ્બની ધમકીને ટાંકીને તે સમયગાળા દરમિયાન શાળાના પડકારોની પણ વિગત આપી હતી.

બીરબલસિંહની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને બિનપરંપરાગત શિક્ષણ અભિગમે અગાઉ પણ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

જજ જસ્ટિસ લિન્ડેન આ માટે પછીની તારીખે ચુકાદો આપનાર છે.

LEAVE A REPLY

11 − 8 =