દાહોદમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ રૂ. 71 કરોડના કૌભાંડમાં સરકારે કડક કાર્યવાહી કરીને રાજ્યના પ્રધાનના પુત્રની ધરપકડ કરી હતી. દાહોદ પોલીસે 16 મે, 2025ની મોડી રાત્રે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડની પણ સંડોવણી સામે આવી છે, જોકે તે હજુ ફરાર છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક બળવંતભાઈ મેરજીભાઈ પટેલની ફરિયાદના આધારે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. 2021થી 2025 દરમિયાન ધાનપુર તાલુકાના સીમામોઈ અને દેવગઢ બારીઆના કુવા તેમજ રેઢાણા ગામોમાં મનરેગા હેઠળ દેખાડા પૂરતાં કામો થયાં. તપાસમાં બહાર આવ્યું કે, આ ગામોમાં 20 ટકા કામો પણ સ્થળ પર થયા નથી, પરંતુ ખોટાં બિલો અને સર્ટિફિકેટ્સના આધારે રૂ. 71 કરોડની ચૂકવણી અનધિકૃત એજન્સીઓને કરવામાં આવી.
આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડની સીધી સંડોવણી હોવાનું સામે આવ્યું છે. બળવંત ખાબડની 16 મેના રોજ ધરપકડ કરવામાં આવી, જ્યારે કિરણ ખાબડ હજુ પોલીસની પહોંચથી દૂર છે. બંનેએ ધરપકડથી બચવા 9 મે, 2025ના રોજ દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તે પાછી ખેંચવામાં આવી. આ ઉપરાંત, તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ થઈ છે, જેમણે અધૂરા પ્રોજેક્ટ્સને પૂર્ણ દર્શાવી ચૂકવણીઓ મંજૂર કરી હતી. અગાઉ, દેવગઢ બારીઆના મનરેગાના એકાઉન્ટન્ટ્સ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, તેમજ ગ્રામ રોજગાર સેવકો ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ થઈ ચૂકી છે. આ ચારેય હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. ફરિયાદમાં દેવગઢ બારીઆની 28 અને ધાનપુરની 7 એજન્સીઓ સહિત કુલ 35 એજન્સીઓનો સમાવેશ છે. આ એજન્સીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરી સામગ્રી સપ્લાયના નામે અનધિકૃત ચૂકવણીઓ મેળવી હતી. MGNREGA શાખાના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓએ આ ગેરરીતિમાં સહયોગ આપ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ધારાસભ્ય અનંત ચાવડાએ આરોપ લગાવ્યો કે, આ ભ્રષ્ટાચાર 100 કરોડથી વધુનો છે અને વિજિલન્સ કમિશન દ્વારા નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
