ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી દરમિયાન મહાવીર ફાઉન્ડેશનના ગતિશીલ અને યુવા પ્રમુખ શ્રી નિરજભાઈ સુતારિયાનું પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ ખાન દ્વારા વન જૈન એક્સેલન્સ ઇન કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વનજૈન યંગ એચિવર્સ એવોર્ડ ડૉ. સૌરભ શાહને એનાયાત કરાયો હતો.

મહાવીર ફાઉન્ડેશને જણાવ્યું હતું કે ‘’આ એવોર્ડ માત્ર સંઘ માટે જ નહીં, પરંતુ વિશ્વભરના સમગ્ર જૈન સમુદાય માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. નિરજભાઈના નેતૃત્વ હેઠળ મહાવીર ફાઉન્ડેશન આશા અને પ્રેરણાના દીવાદાંડી તરીકે વિકાસ પામ્યું છે જે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોના જીવન પર સકારાત્મક અસર કરી રહ્યું છે. તેમના અતૂટ સમર્પણ, નમ્રતા અને સમુદાય સેવા પ્રત્યેના જુસ્સાએ ઊંડી છાપ છોડી છે.’’

નિરજભાઈએ જણાવ્યું હતું કે ‘’આજે મારા માટે ખૂબ જ ગર્વ અને ઊંડી કૃતજ્ઞતાની ક્ષણ છે. આ એવોર્ડ વ્યક્તિગત પ્રયાસની માન્યતા નથી, તે આપણા સમગ્ર જૈન સમુદાયની શક્તિ, એકતા અને ભાવનાની ઉજવણી છે. આ પુરસ્કાર મહાવીર ફાઉન્ડેશન, સંઘ અને 35 જૈન સંગઠનના દરેક સભ્યોનું સન્માન છે. ભગવાન મહાવીરના અહિંસા, સત્ય, કરુણા અને સ્વ-શિસ્તના શાશ્વત ઉપદેશો મારા દરેક કાર્યને માર્ગદર્શન આપે છે.’’

આ પ્રસંગે સર્વિસીસ, સ્મોલ બિઝનેસ એન્ડ એક્સપોર્ટ્સ મિનિસ્ટર ગેરેથ થોમસ એમપી,  હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ એમપી બોબ બ્લેકમેન, જૈન સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા હાઉસ ઓફ કોમન્સ ખાતે મહાવીર જન્મ કલ્યાણક અને જૈન કોમ્યુનિટી એવોર્ડ્ઝ સમારોહ યોજાયો હતો. જેમાં જૈન સમુદાયના નેતાઓ, વિદ્વાનો, સંસદસભ્યો, આંતરધાર્મિક પ્રતિનિધિઓ, બિઝનેસ લીડર્સ, પત્રકારો અને સમર્થકો ચિંતન, માન્યતા અને ઉજવણીની સાંજ માટે ભેગા થયા હતા.

કાર્યક્રમની અધ્યક્ષતા IOJ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ સંઘરાજકા MBE દ્વારા કરવામાં આવી હતી. જૈન તપસ્વીઓ સમણી મલય પ્રજ્ઞાજી અને સમણી નીતિ પ્રજ્ઞાજી દ્વારા નવકારનો પાઠ કરવામાં આવ્યો હતો.

પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી ઓફ સ્ટેટ લોર્ડ ખાને ભગવાન મહાવીરના અહિંસા, મિત્રતા, સત્ય અને આંતરિક આધ્યાત્મિક આનંદના ઉપદેશો પર પ્રકાશ પાડ્યો હતો અને વનજૈન કોમ્યુનિટી એવોર્ડ વિજેતાઓની સરાહના કરી હતી.

જૈન સમુદાયના લાંબા સમયથી સમર્થક હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ એમપી બોબ બ્લેકમેને સચોટ વસ્તી ગણતરી ડેટાના મહત્વ વિશે વાત કરી જૈનો માટેના ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ને ટેકો આપવા માટે તેમના ચાલુ કાર્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

સર્વિસીસ, સ્મોલ બિઝનેસ એન્ડ એક્સપોર્ટ્સ મિનિસ્ટર ગેરેથ થોમસ એમપી ગેરેથ થોમસે મહેમાનોનું સ્વાગત કરી એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને મહાવીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કેન્ટન જૈન દેરાસરની વિશેષ પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે દિલ્હીમાં યોજાયેલ પ્રથમ ખો ખો વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનારા દસ જૈન ખેલાડીઓ અને કોચિંગ ટીમનું હૃદયપૂર્વક સન્માન કરાયું હતું.

LEAVE A REPLY